રાજકોટ – અમદાવાદ સિક્સ લેન પ્રોજેકટમાં જમીન સંપાદન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક દંપતિએ સંપાદનમાં જમીન પોતાની ગણાવી સરકારને છેતરીને રૂ.1.46 કરોડનું વળતર મેળવી લીધું હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે પ્રાંતએ આ વળતર સરકારમાં પરત જમા કરાવવાનો ચુકાદો પણ જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકાના કુવાડવા ગામના સર્વે નં. 545 પૈકી બિનખેતી પ્લોટ નં.1ની 1145 ચો.મી. જમીનનું રાજકોટ – અમદાવાદ સિક્સલેન હાઇવે માટે સંપાદન કરવામાં આવ્યું હતું. જેમાં કૌમુદીબેન વસંતરાય હિંડોચા અને જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણી નામના દંપતિએ જરૂરી દસ્તાવેજો જાહેર કરી સરકાર પાસેથી રૂ. 1.46 કરોડનું વળતર પણ મેળવ્યું હતું. જો કે પન્નાલાલ પીરચંદ કોચર રહે. કોલકતા વાળાએ આ જમીન વેચાણથી રાખેલી હોય વળતરની રકમના પોતે હકદાર હોવા અરજી કરી હતી.
સંપાદનની જમીન પોતાની ગણાવી સરકારને છેતરીને રૂ. 1.46 કરોડનું વળતર મેળવી લેવાયું
જમીનના સાચા માલિક સામે આવતા સમગ્ર મામલો ઉજાગર થયો, પ્રાંતે બન્ને પક્ષોને સાંભળી વળતર પરત સરકારમાં જમા કરાવવાનો ચુકાદો કર્યો જાહેર
આ અરજીને પગલે સિટી 2 પ્રાંત અધિકારી દ્વારા બન્ને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા.બાદમાં પ્રાંત અધિકારી દ્વારા એવો હુકમ જાહેર કરવામાં આવ્યો છે કે અરજદાર તરફથી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી આધાર પુરાવાની વીગતે પ્રશ્નતળેની જમીનનો જે તે વખતે રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર ન થવાથી કૌમુદીબેન વસંતરાય હિંડોચા વાઈફ ઓફ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નથવાણીના નામે થયેલ છે. પરંતુ ત્યારબાદ સવાલવાળી જમીન ઉતરોતર અરજદાર તરફથી કરવામાં આવેલ રેવન્યુ રેકોર્ડ મુજબ ખરીદેલ હોવાનું જણાય છે. જેથી હાલ પ્રશ્નવાળી જમીનમાં મૂળ ખાતેદાર કૌમુદીબેન વસંતરાય હિંડોચા નું કોઈ હક હિત સમાયેલ હોવાનું જણાતું નથી. રજૂ થયેલ રેકોર્ડની વિગતે અગાઉ પણ તેમનું હિત સમાયેલ ન હોય તેવું તેવો જાણવા છતાં તેઓએ વળતરની રકમ સરકારને છેતરીને બદઇરાદે મેળવી લીધેલ છે.
જે રકમ તેમની પાસેથી સરકારમાં પરત મેળવવાની થાય છે. આ રકમ તેઓને સરકારમાં પરત ચૂકવવા માટે તેઓને મૌખિક સૂચના પણ આપવામાં આવી છે. તેમ છતાં તેમના તરફથી હાલ સુધીમાં આ વળતરની રકમ સરકારમાં પરત કરવામાં આવેલ નથી. તેથી કૌમુદીબેન વસંતરાય હિંડોચા વાઈફ ઓફ જ્યોતિનભાઈ ઘનશ્યામભાઈ નકવાણીને ચૂકવાયેલ કુવાડવાની સંપાદિત થયેલ જમીનના એવોર્ડની રકમ રૂપિયા 1.46 કરોડ રેવન્યુ રાહે મહેસુલ બાકી તરીકે વસૂલ કરવા રેવન્યુ કોર્ટ તથા રૂલ્સની જોગવાઈઓ મુજબ હુકમ કરવામાં આવે છે આ રકમ 10 દિવસમાં સક્ષમ સત્તાધિકારી નેશનલ હાઈવે જમીન સંપાદન અને નાયબ કલેકટર રાજકોટ શહેર 2ના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.