૧ મે, ૨૦૧૯થી બેન્કિંગ ક્ષેત્રે ઘણા મોટા ફેરફારો થઈ રહ્યા છે, જે તમારા રોજિંદા જીવન પર મોટી અસર કરશે. સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બચત ખાતા સાથે જોડાયેલ નવા નિયમો રજૂ કરવા જઈ રહી છે. જ્યારે પંજાબ નેશનલ બેંક પણ તેની ત્રણ વર્ષની જૂની સર્વિસ બંધ કરવા જઈ રહી છે. આ ઉપરાંત LPGની નવી કિંમતો ૧લી મેના દિવસે જાહેર કરવામાં આવશે. તો ચાલો આ ફેરફારો વિશે વિસ્તૃતમાં જાણકારી મેળવી લઇએ.
નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો પ્રથમ મહીનો એટલે કે એપ્રિલ પૂરો થવા જઈ રહ્યો છે. SBIમે મહિનામાં એક મોટો નિયમ અમલમાં મૂકવા જઈ રહી છે. મે મહિનાથી આ બેંકની ડિપોઝીટ અને લોનનું વ્યાજ દર RBIના બેન્ચમાર્ક દર સાથે જોડવામાં આવશે.એટલે કે હવે RBIના રેપો રેટના દરમાં ફેરફાર થવાથી બેંકની થાપણો અને લોનના દરમાં પણ ફેરફાર લાવશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ ગ્રાહકોને અગાઉની તુલનામાં સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. ૧ લાખ રૂપિયાથી વધુ ડિપોઝીટ અને લોનના વ્યાજદરો પર આ નિયમ લાગુ પડશે.
પંજાબ નેશનલ બેંક પોતાનું ડિજિટલ વોલેટ PNB Kitty ૧લી મેથી બંધ કરવા જઈ રહી છે. આ બેંકે પોતાના ગ્રાહકોને જણાવી દીધું છે કે કિટીમાં પડેલા પૈસા ૩૦ એપ્રિલ સુધી ક્યાં તો ખર્ચી નાખો અથવા તો IMPS દ્વારા પોતાના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લો. ૧ મેથી તમારે PNB Kittyને બદલે કોઈ અન્ય વિકલ્પ અથવા વોલેટનો ઉપયોગ કરવો પડશે.
રેલવેમાં મુસાફરી કરનાર યાત્રીઓને ૧લી મેથી નવી સુવિધા મળવાની છે. ટ્રેનનો ચાર્ટ બનવાના ૪ કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે. અત્યારે બોર્ટિંગ સ્ટેશન ૨૪ કલાક પહેલાં જ બદલી શકાતું હતું. પરંતુ હવે તમે ટિકિટ બુક કરાવતા સમયે જે બોર્ડિંગ સ્ટેશન પસંદ કર્યું છે તે બદલવા માગો છો તો ૪ કલાક પહેલાં પણ સરળતાથી બદલી શકાશે. જોકે, આ માટે એક શરત છે. જો બોર્ડિંગ સ્ટેશન બદલ્યું તો ટિકિટ કેન્સલેશન પર રિફંડ મેળવી શકાશે નહીં.
એર ઈન્ડિયા ૧લી મેથી ટિકિટ કેન્સલેશન પર કોઈ ફી વસૂલશે નહીં. ટિકિટ બુક કર્યાના ૨૪ કલાકની અંદર તેમાં બદલાવ કરવા પર કે કેન્સલ કરવા પર કોઈ ચાર્જ નહીં વસૂલવાનો નિર્ણય એર ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો છે. આ સેવા ૧લી મેથી શરૂ થશે.
દર મહિનાની જેમ ૧લી મેથી રસોઈ ગેસ સિલિન્ડરની નવી કિંમત જાહેર થશે. અગાઉ ૧ એપ્રિલના રોજ આ કિંમતમાં વધારો થયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ વગર સબસિડીવાળા ગેસમાં ૫ રૂપિયા પ્રતિ સિલેન્ડર વધાર્યા હતા. સબસિડીવાળા સિલેન્ડરની કિંમતમાં પણ ૨૫ પૈસાનો વધારો નોંધાયો હતો.