- ગામડાના બહેનો માટે રહેવા તથા જમવા સાથે વિનામૂલ્યે 30 દિવસની બ્યૂટી પાર્લર અને સિવણ કામની તાલીમ આપીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ થાય છે
એસબીઆઇ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સી (જીએલપીસી) ગુજરાત સરકાર તરફથી રાજકોટ જીલ્લાના ગામડામાં વસતા 18 થી 45 વર્ષની વય જૂથના બીપીએલ / અંત્યોદય કાર્ડ / મનરેગા જોબકાર્ડ / સખી મંડળના સભ્ય / SECC / PMAY યાદી સમાવિષ્ટ તમામ બેરોજગાર યુવક – યુવતીઓને ફૂલ ડે ની 60 થી વધારે પ્રકારની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ, ગાર્ડી ગેટ પાસે, એ.જી. સ્ટાફ કોલોની સામે. એસ.બી.આઇ. ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થામાં 30 દિવસની બ્યુટી પાર્લર અને સ્ત્રી સિવણ કામની તાલીમ ચાલુ છે. આ તાલીમ આખો દિવસ સવારે 9:30 થી સાંજના 6:00 વાગ્યા સુધી શરૂ રહે છે તેમજ ઉત્તમ પ્રકારનું ચા-નાસ્તો અને જમવાનું તથા રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. ઉક્ત તાલીમમાં તાલીમાર્થીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ હેતુ તમામ પ્રકારનું રો મટીરિઅલ નિ:શુલ્ક પુરૂ પાડવામાં આવે છે.
બ્યુટી પાર્લરના કોર્ષમાં તાલીમાર્થીઓને થેડીંગ, વેક્સ, ફેસીઅલ મેનીક્યોર પેડીક્યોર, તમામ પ્રકારના હેર કટ, મેકઅપ, હેર સ્પા, બ્રાઈડલ, અવનવી મહેંદી ડીઝાઈન, નેઈલ આર્ટ વિગેરે જેવી તાલીમ નિષ્ણાંત બ્યુટીશિયન રીનાબેન દ્વારા શીખવવામાં આવે છે તેમજ સિવણ કામના તાલીમાર્થીઓને દરેક પ્રકારની કુર્તી, ડ્રેસ, મારવાડા, તુલીપ ધોતી, ચણીયા ચોલી, શર્ટ – પેન્ટ, કોટી, વિગેરેનુ પ્રશિક્ષણ વિષય નિષ્ણાંત કિરિટભાઇ ચુડાસમા દ્વારા આપવામા આવે છે.હાલ બ્યુટીપાર્લરની તાલીમમાં રાજકોટ તથા મોરબી જીલ્લાના પડધરી, જામકંડોરણા, જસદણ, વિંછીયા, જેતપુર, લોધિકા, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, હળવદ, વાંકાનેર, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનો તાલીમ લઇ રહ્યા છે.
તાલીમ બાદ તેમને સર્ટીફિકેટ આપવામાં આવે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા નાણાકીય જરૂરિયાત હોય તો લોન વિષે માહિતગાર કરવામાં આવે છે.આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં ઘણા ભાઈઓ અને બહેનોએ તાલીમ લઈને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે. આ પ્રકારની આર.સે.ટી. ભારતના તમામ 590 જીલ્લાઓમાં આવેલી છે જે ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજ્ય સરકાર અને એસ.બી.આઇ. બેન્કના સહિયારા સાથથી સંચાલન થાય છે.વધુ વિગત માટે ડીરેક્ટર વિજયસિંહ આર્ય મો.નં. 76000 42345, ફેકલ્ટી જીગ્નેશગીરી ગોસ્વામી મો.નં. 99789 11008, ફેકલ્ટી સંદીપ મઢવી મો.નં. 97373 97273નો સંપર્ક કરી શકે છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જીગ્નેશગીરી ગોસ્વામી તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એસબીઆઇ આરસેટી થતા તમામ કોર્ષનું રો-મટીરીયલ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે: જીગ્નેશગીરી ગોસ્વામી
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જીગ્નેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમે અહીં 60થી વધારે કોર્સની તાલીમ આપીએ છીએ. એમાં ખાસ કરીને અત્યારે બ્યૂટી પાર્લરની તાલીમ ચાલુ છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાંથી બહેનો આવ્યા છે. આ તાલીમ બહેનો માટે તદ્ન નિ:શુલ્ક છે અને બહેનોને રહેવા-જમવાની સુવિધા પણ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. અહીં જેટલા કોર્ષ ચાલે છે. આ તમામ કોર્ષનું રો-મટીરીયલ અહીંથી જ આપવામાં આવે છે. જેથી કરીને કોઇ તકલીફ ન પડે કોઇપણ યુવક-યુવતી કોર્ષ શીખી લીધા બાદ તેને તેના ગામડામાં રોજગાર તરીકે કામ કરવું છે. તેના માટે અહીં એસબીઆઇ બેન્ક લોન પણ આપે છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા ગામડાઓમાં યુવક અને યુવતીને રોજગારી અપાવી છે.