અબતક, રાજકોટ
રાજકોટ શહેરના એ ડીવીઝન અને ભકિતનગર પોલીસ મથકમાં એસ.બી.આઇ. ના વેલ્યુઅર સોની દ્વારા નકલી સોનાના દાગીના સાચા હોવાનું દર્શાવી કરોડો રૂપિયાની લોન પાસ કરાવી ઠગાઇ કર્યાનો બનાવ હજુ સમ્યો નહી કે વિછીંયાના મોઢુકા એસ.બી.આઇ. બ્રાન્ચના વેલ્યુઅર સોનીએ 37 લાખ રૂપિયાની લોન પાસ કરાવી બેંક સાથે ઠગાઇ કરતા મોરબી રહેતા રીઝનલ મેનેજરે વીછીંયા પોલીસ મથકમાં વેલ્યુઅર સહિત 1ર સામે ફોડની ફરીયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ બિહારના હાલ મોરબી રહેતા એસ.બી.આઇ. માં રીઝનલ મેનેજર તરીકે ચાર મહિનાથી ફરજ બજાવતા યાદવેન્દ્રકુમાર રાકેશ રામસેવક પ્રસાદ (ઉ.વ.49) એ વિછીંયા પોલીસ સ્ટેશનમાં મોઢુંકા રહેતા એસ.બી.આઇ. ના બેંક વેલ્યુઅર સોની હરકિશન મણીલાલ લુંભાણી સહીત પાટીયાળીની મગન કમા તાવિયા, મોઢુકાનો ભના પમા તાવિયા, હેમત વશરામ ઝાપડીયા, વજા વશરામ તાવિયા, ગોરધન કરમશી તાવિયા, દિનેશ પરસોતમ નાકીયા, મનસુખ સવજી તાવિયા, સનાળાની બિજલ મીતિ સાબળીયા, સરતાપરનો જેરામ ટપુ મેર પાટીયાળી ગામનો વશરામ સવશી તાવિયા, સોમલપર ગામનો હિતેષ પુના મકવાણા નામના શખ્સો સામે બેંકમાં ખોટા દાગીનાને સાચા દર્શાવી અલગ અલગ લોન લઇ બેંક સાથે રૂ. 35,62,312 ની ઠગાઇ કર્યાની ફરીયાદ નોંધાવી છે. રિઝનલ મેનેજરના જણાવ્યા મુજબ એસ.બી.આઇ. ની 39 બ્રાંચ પોતાના અંડરમાં આવે છે. આરોપી વેલ્યુઅર સોની હરકિશનની જાન્યુઆરી 2019થી નિમણુંક કરવામાં આવેલી હતી. ગત 14 નવેમ્બરે વિછીંયાની મોઢુંકા બ્રાંચ મેનેજર સ્નેહકુમારે ફોન કરી રાજકોટમાં તાજેતરમાં ગોલ્ડ લોનમાં ફોડનું સાંભળ્યા બાદ પોતાની બ્રાંચમાં મુકેલા દાગીનાની અન્ય વેલ્યુઅર સોની પાસે ચેક કરાવવાનું કહેતા પીયુશ પટેલ મારફત દાગીના ચેક કરાવતા 11 ગ્રાહકોના 13 એકાઉન્ટના દાગીના નકલી હોવાનું જાણવા મળતા તમામ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. 11 ગ્રાહકો પૈકી હેમ ઝાપડીયાના નામે 6.10 લાખની બે લોન પાસ થઇ હોવાનું જાણમાં આવ્યું છે. ફોડની ફરીયાદ અન્વયે વિછીંયા પીએસઆઇ આર. કે. ચાવડા સહીતના સ્ટાફે આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટ ગોલ્ડ લોન કૌભાંડ બાદ વિછીંયાના મોઢુંકા બ્રાંચમાં નકલી સોનુ સાચુ ગણાવી 3પ લાખની ઠગાઇ