- રસ્તા બાબતે બે જૂથ વચ્ચે વેર બંધાયા: બે ડઝન કરતાં વધુ શખ્સો સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
- ઈતિહાસમાં વીરતાના દાખલા સાથે સુદામડાનુ નામ ગુંજે છે: ત્યાં સામસામે મારામારીના બનાવો વધ્યા
સાયલાના સુદામડા ગામને “સરખે માથે સુદામડા”નું બિરૂદ મળ્યું છે. કે જ્યાં એક ઝાડુ કામદારે ગામ પર થયેલા આક્રમણને અટકાવવા માટે પોતાની જાનની શહીદી આપી હતી. જ્યાંથી ઈતિહાસમાં હજુ પણ આ વીરતાની પરિકાસ્ઠાને ગર્વથી યાદ કરવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આજ ગામમાં લોકો સામસામે એકબીજાને ભરી પરવા માટે તત્પર દેખાઈ રહ્યા છે. ત્યારે હાલના સમયમાં આ મુદ્દા પર મોભીઓએ આવી સમસ્યાનું સમાધાન કરાવવુ જોઈએ તેમ લાગી રહ્યું છે.કારણ કે સુદામડા ગામમાં ગઇ કાલે સવારે ફરી એકવાર બે જૂથ વચ્ચે ધિંગાણું ખેલાયું છે. જેમાં સામસામે એકબીજાની જાનના પ્યાસા બનેલા શખ્સોએ ફાયરિંગ કરી ખૂનની કોશિષની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટના અંગે જાણ થતાં ડીવાયએસપી સહિતનો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જતા ગામ છાવણીમાં ફેરવાયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથ વચ્ચે સામસામે ફાયરીંગ કરતા મામલો તંગ બન્યો હતો.આ અંગે બનાવની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તથા જિલ્લાની બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફ તથા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કરી છે અને હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ છે. જ્યારે આ ઘટનામાં દા વધુ લોકોને ઇજા થતાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાયા હતા. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં અજંપાભરી શાંતિ છે.
પળભરમાં સામાન્ય બોલાચાલી રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સામસામે ભડાકા કરી જીવતા સળગાવાની અને જમીનમાં દાટી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે.સુદામડામા અંગત અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. બે સમાજના જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.
આ અંગે પોલીસે રાજાભાઈ રબારીની ફરિયાદ પરથી દેવાયત નાગ ખવડ, દાના નાગ ખવડ, રવિ દેવાયત ખવડ, અજય ખવડ, વનરાજ બાભ ખવડ, જાફર ખવડ અને મહાવીર દાન ખવડ સામે હત્યાની કોશિષ અને રાયોટ સહિતના ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
તો સામા પક્ષે દેવાયતભાઈ નાગભાઈ ખવડની ફરિયાદ પરથી પોલીસે ગભરુ ઉર્ફે મોગલ રબારી, વિજય વશરામ, સવરામ દેવા, દેવા જોધા, ગભરુ સામરા અને જહા કમા રબારી અને 30 જેટલા શખ્સોએ જીવતા સળગાવવાનો અને જમીનમાં જીવતા દાટી દેવાનો પ્રયાસ કરી ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેમાં પોલીસે તમામ શખ્સો સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસે ઘટના બાદ ગામમાં શાંતિનો માહોલ જાળવવા મોટી સંખ્યામાં પોલીસના કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો છે.