સાયલાના મોટીમોરસલ ગામેથી મળી આવેલ માનવ કંકાલનો ભેદ ખૂલ્યો
બંને આરોપીની ધરપકડ: દોઢ માસ પહેલા હત્યા કર્યાની કબુલાત
જર જમીન અને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટીમોરસલ ગામેથી દોઢ માસ પહેલા લાપતા કોળી યુવાનન માનવ કંકાલ પાણીના ટાંકામાંથી મળી આવ્યા બાદ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી મૃતક યુવાનના બે ભાઈઓની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં કોળી યુવાનને જમીનનો ભાગ આપવા બાબતે ચાલી આવતી માથાકૂટમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી બંને ભાઈઓએ હત્યા કર્યા બાદ લાશને પાણીના ટાંકામાં નાખી દીધી હતી.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ સાયલાના મોટી મોરસલ ગામેથી ગત તા.12.8ના રોજ પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવ્યા હતા. પોલીસે આ અંગે એડી દાખલ કરી તપાસ હાથ ધરતા માનવ કંકાલ દોઢ માસથી લાપતા સવશીભાઈ ચતુરભાઈ ડાભી નામના કોળી યુવાનના હોવાનું અને તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતુ.
આ અંગે પોલીસે દેવશીભાઈ સવશીભાઈ ડાભી ઉ.35ની ફરિયાદ પરથી હત્યા અને પૂરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવાનના બે ભાઈઓ શંકાના પરીધમાં આવ્યા હતા.
પોલીસે આરોપી ગોરધન ચતુર ડાભી અને વિનુ ચતુર ડાભીની અટકાયત કરી પૂછપરછ કરતા પ્રથમ આ બનાવ વિશે કશુ જાણતા નહી હોવાનું જણાવ્યું હતુ પરંતુ પોલીસની આકરી પૂછપરછમા ભાંગી પડેલા બંને શખ્સોએ દોઢ માસ પહેલા મરનાર દારૂના નશામાં વાડીએ આવી જમીનનો ભાગ માંગી ઝઘડો કર્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ બોથડપદાર્થના ઘા ઝીંકી ભાઈની હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા લાશ પાણીના ટાંકામાં નાખી દીધી હતી.
આ બનાવની તપાસ ધજાળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ઝેડ.એલ. ઓડેદરા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.