પિતા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી પુત્રને ત્રણ શખ્સોએ લમધાર્યો
સાયલા તાલુકાના ધાંધલપુર ગામે હલાણના પ્રશ્ને ત્રણ શખ્સોએ પિતા સાથે ઝઘડો કરી બાદમાં પુત્રનું બાઈક ઉપર અપહરણ કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલાના ધાંધલપુર ગામે રહેતા માનસિંગ ખરૂભાઈ સાડમીયા નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે ભાણજી કોળી, ભૂરા કોળી અને એક અજાણ્યા વ્યક્તિએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માનસિંગ સાડમીયા અને હુમલાખોર વચ્ચે હલાણ બાબતે ચાલતી અદાવતમાં ત્રણેય શખ્સે બપોરના માનસિંગ સાડમીયાના પિતા ખરૂભાઈ સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી. બાદમાં માનસિંગ ગામમાં હતો ત્યાંથી બાઈકમાં બેસાડી સીમમાં લઈ જઈ ઢોર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ધજાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.