અબતક, રણજીત ખાચર
સાયલા
સાયલાના ધમરાસળા તથા ઢીંકવાળી ગામે મંગળવારે વહેલી સવારથી વીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરી 136 જોડાણો તપાસવામાં આવ્યા હતા . તંત્રના ઓચિંતા દરોડાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં બેફામ વીજ ચોરી કરતા તત્વો આબાદ ઝડપાઇ ગયા હતા.
તંત્રની આઠ ટીમ દ્વારા બન્ને ગામોમાં કરાયેલ વીજ ચેકિંગ દરમિયાન 20 જોડાણો તેમજ અન્ય લંગરિયા નાંખી વીજ ચોરી કરતા જોડાણો પકડાતા તમામને મળી આશરે રૂપિયા બાવીસ લાખથી વધુનો દંડ ફ્ટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો . વીજ તંત્રની કોર્પોરેટ ડ્રાઇવ અંતર્ગત લીંબડી ડિવીઝન ચેકિંગ સ્કવોડના એન.કે. તાવિયાડ તથા એન.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ધમરાળા તેમજ ઢીંકવાળી ગામે કરાયેલ ચેકિંગમાં 20 જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી હતી . ઢીકવાળીમાં લંગરિયા હટાવો ઝુંબેશમાં દરોડા દરમિયાન મોટાપાયે લંગરિયા નાંખી ચોરી કરતા જોડાણો પકડાયા હતા . જેમાં ગેરકાયદે વીજ જોડાણોમાંથી ઝડપાયેલા વાયરોના ગુંચળાઓની હોળી કરી તેનો સ્થળ પર નાશ કરાયો હતો . નવા વર્ષના પ્રારંભિક સપ્તાહમાં વીજ ચોરો સામે વીજ વિભાગે લાલ આંખ કરવા સાથે આકરો દંડ ફટકારતા હાજર અધિકારીઓને લાગતા વળગતા નેતા આગેવાનો દ્વારા ભલામણોના ફોન આવવાના ચાલુ થઇ ગયા હતા. વીજ વિભાગ ની ટીમ દ્વારા ઓચિંતા દરોડા પડતા સમગ્ર પંથક મા ફફડાટ ફેલાઈ ગયો હતો.