સુરેન્દ્રનગર: એસ.ઓ.જી.ના પીઆઇ એસ.એમ.જાડેજાની ટીમે પાંચ સ્થળેથી ગાંજાની ખેતી પકડી પાડી
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમમાં ગેરકાયદે ગાંજાના વાવેતર પર એસ.ઓ.જી.ની ટીમ ત્રાટકી પાંચ ખેડૂતની વાડીમાંથી વાવેતર ઝડપી પાડી રૂા.1.44 કરોડની કિંમતનો 1441 કિલો લીલો ગાંજાના છોડ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. ઝાલાવાડ પંથકમાં જંગી જથ્થામાં ગાંજાનું વાવેતર પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
વધુ વિગત મુજબ ઝાલાવાડમાં નશીલા પદાર્થના વેંચાણ અને વાવેતરને કડક સાથે ડામી દેવા એસ.પી.ડો.ગીરીશ પંડ્યાએ આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઇ.એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે સાયલા પંથકમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું.
ત્યારે સાયલા નજીક ગરાભંડી ગામની સીમાં પાકની આડમાં ખેડૂતો ગાંજાની ખેતી કરતા હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ.એ.રાઠોડ, એએસઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, પ્રવિણભાઇ આલ, ડાયાલાલ અને રવિભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જાદવ ગોવિંદ રંગપરાના વાડીમાંથી રૂ.96.50 લાખની કિંમતનો 965 કિલો ગાંજો, વજા નાની રંગપરની વાડીમાંથી 6.32 લાખની કિંમતનો 63 કિલો ગાંજો, ભોયા નાજા રંગપરાની વાડીમાંથી રૂ.62 લાખની કિંમતનો 36 કિલો ગાંજા, વેલા મોતી ઝાપડીયાની વાડીમાંથી રૂા.14.20 લાખની કિંમતનો 142 કિલો ગાંજો અને મેરામ મોતી ઝાપડીયાની વાડીમાંથી રૂા.23.50 લાખની કિંમતનો 235 કિલો ગાંજો મળી રૂા.1.44 કરોડની કિંમતનો 1441 કિલો ગાંજાના 594 છોડ સાથે પાંચેયની ધરપકડ કરવામાં આવી છે.
ગાંજાનું વાવેતર કરનાર ઝડપાયેલા શખ્સો ગાંજાનું વેંચાણ કોને કરતા અને કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા તે મુદ્ે પોલીસે તપાશનો ધમધમાટ આદર્યો છે.