સાયલાના વણકી ગામે સેવકના હાથે જ આશ્રમના બાપુની હત્યા થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યારાએ મહંતને માથાના ભાગે ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. તો બીજી તરફ વચ્ચે પડેલા અન્ય સાધુને પણ માર મારી બાઇકની લૂંટ ચલાવી નાસી જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત તા.2જી જુલાઈના સાયલાના વણકી ગામ પાસે આવેલા નાગેશ્વર આશ્રમના મહંત ભવાનીશંકરગીરી બાપુ, ધરમેન્દ્રગીરીબાપુ, આશીષભાઇ શેખલીયા અને સીતારામ (રામજી) રાત્રીના સમયે સતસંગ બાદ સીતારામ સાધુને જમવાનું અને પાણી કાઢવાનું કહ્યુ હતુ. આથી અચાનક સીતારામ સાધુ ઉશ્કેરાયા હતા અને ગાળો આપીને આવેશમાં આવ્યા હતા. જેથી ભવાનીશંકરગીરી બાપુએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા સિતારામ નામના વ્યક્તિએ લાકડાનો ધોકો લઈ બાપુને માથાના ભાગે ઘા માર્યા હતા. માથાકૂટમાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય સાધુને પણ હત્યારા સીતારામે માર માર્યો હતો. આ સમયે ત્યાં હાજર અન્ય એક સેવક આશિષ ચીમનભાઈ શેખલીયાને પણ આરોપી સિતારામે માર માર્યો હતો અને તેના બાઇકની ચાવી પડાવીને ભાગી ગયો હતો.
ત્યાર બાદ ફરિયાદી આશિષ શેખલીયાએ 108માં જાણ કરતા મહંત ભવાનીશંકર ગીરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મહંતને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ ગત તા.6ઠી જુલાઈના રોજ ચાલુ સારવારમાં મહંતનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગે સાયલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા સિતારામ નામના વ્યક્તિ સામે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથધરવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતાને ગાંજો પીવાની ટેવ હોય અને આશ્રમના સાધુ સતસંગી હતા. માટે છેલ્લા 8 વર્ષથી હું અહીયા આવતો હતો. અને સતસંગ કરતા હતા. આરોપી સીતારામ છેલ્લા આઠેક દિવસથી આશ્રમમાં રહેતો હતો. જો કે મે તેને પહેલીવાર જોયો છે. બાપુ પોતાની પાસે લાકડાનો ધોકો રાખતા હતા તે ધોકો તેમની પાછળ જ પડયો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ તેમના જ ધોકાથી 7 થી 8 ઘા ઝીંકી દિધા હતા. હું વચ્ચે પડયો તો મને પણ ધોકો મારી ભાગી ગયો હતો.