કોપીરાઇટ ભંગનો ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ
બાબુ પાસેલ ચૂનાના આબેહુબ કલાકૃતિવાળા ખેડૂત પાર્સલના થેલામાં ગુલાબી અને કાળા કલર વાળી ચૂનાની પડીકીઓ હતી જે કાલાવડ પટેલ ગૃહ ઉદ્યોગ ખાતેથી ગાડીમાં ભરી સાયલા તરફ જતી હતી તે દરમિયાન ફરીયાદી ભરતભાઇ લાખાભાઇ અણદાણી રહે.રાજકોટ દ્વારા ફરિયાદ કરતા પોલીસે ફરિયાદનાં આધારે સાયલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સાયલા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી સાયલા પોલીસ દ્વારા ગાડીને સાયલા સર્કલ પાસે ઉભી રખાવી અને પોલીસે સમગ્ર બાબતે તપાસ કરતા અને બિલનો આધાર માંગતા બિલમાં કુલ 75 બેગ જ લખેલી જોવામાં આવી હતી. જ્યારે ગાડીમાં કુલ 150 બેગ ભરેલી હતી.
ગાડી ચાલક અને તેના સાથી પૂછતાછ કરતા તેમના જણાવ્યા પ્રમાણે પાર્સલ બેગ પટેલ ગૃહ ઉદ્યોગના માલિક રમેશભાઇ શામજીભાઇ મધાણીએ સાયલા ખાતે લઇ જવા માટે કહ્યું હતુ. ગાડીમાંથી લુઝ પાઉચની 10 કિલોની એક બેગ એવી 150 નંગ બેગ હતી. જેની કિંમત રૂા.43,500 તથા ગાડીની કિંમત રૂા.2,50,000 કુલ 2,93,500નો મુદ્ામાલ કબ્જે લઇ આરોપી રમેશભાઇ શામજીભાઇ મધાણી (પટેલ ગૃહ ઉદ્યોગના માલિક), ગાડી ચાલક અને તેના સાથી ત્રણે રહે. કાલાવડ સામે કોપીરાઇટ ભંગ એક્ટ (કોપીરાઇટની કલમ 63,64 અને 65 મુજબ) ગુનો દાખલ કરી ત્રણેની ધરપકડ કરી હતી.
સાયલા પોલીસ દ્વારા કાલાવડ ખાતે પટેલ ગૃહ ઉદ્યોગના મેન્યુફેક્ચરીંગ સ્થળે જઇ કોપીરાઇટ ભંગ વાળા મુદામાલનું પ્રોડક્શન કરતા મશીનને સીલ કરવામાં આવ્યું હતું.
બાબુ લાઇમનાં ચૂનાનું પેકિંગ ખૂબ જ ખ્યાતિ અને પ્રખ્યાત થયેલ હોવાથી તથા બાબુ ચૂનાની ખૂબજ ડીમાન્ડ છે. જેથી અમુક ઘણી કંપનીઓ બાબુ લાઇમના બ્રાન્ડની (કોપીરાઇટની) કોપી કરે છે. આ બાબતે હજુ ઘણી કંપની સામે ફરિયાદ કરશે તેવું બાબુ લાઇમના અધિકૃત વ્યક્તિ સાથે વાત કરતા જાણવા મળેલ છે.