ગીર અને બૃહદગીરમાં વસવાટ કરતા તમામ સિંહો સલામત છે અને હજી સુધી એક પણ સિંહનું કોઈપણ પ્રકારે મોત કે તેમને નુકસાન પણ પહોંચેલું નથી. બીજી બાજુ વન વિભાગ દ્વારા તમામ સિંહોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહોની સલામતી તથા સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાણવા મળેલ છે.

વન્યપ્રાણી વર્તુળ જૂનાગઢ વિભાગના વન સંરક્ષક ડી.ટી. વસાવડાના જણાવ્યા અનુસાર વાવાઝોડાની ચેતવણી મળતા જ સૌરાષ્ટ્રના ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં અને દરિયાકાંઠે વસતા સિંહોની સલામતી માટે સત્વરે પગલાં લેવામાં આવેલ હતા અને સિંહોની સતત અને ખાસ મોનીટરીંગ કરવામાં આવેલ હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર પોતાની જાતે સલામત સ્થળે ખસી ગયા હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.  આ ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું નોંધવામાં આવેલ નથી.

જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક વસાવડાના જણાવ્યા અનુસાર હાલમાં ગીર અને બૃહદ ગીરના તમામ સિંહો  સલામત છે અને હજી સુધી એક પણ સિંહને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચેલ નથી. તથા સિંહોની સલામતી માટે વન વિભાગ દ્વારા સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેનું મોનિટરિંગ  કરવામાં આવી રહ્યું છે અને સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.