વિશ્વ પર્યાવરણ દિવસે

વર્ષ 2023માં 2491 મૃતદેહના અગ્નિ સંસ્કાર થતા વિદ્યુત ભઠ્ઠીનું પ્રમાણ 56% લાકડાની તોલે 12% વધારે

પર્યાવરણ એ સમગ્ર જીવસૃષ્ટિનું હૃદય છે. પર્યાવરણ થકી જ જીવન શક્ય છે. આજના સમયમાં આધુનિકરણની દોડમાં પર્યાવરણ પર વિપરીત અસર થતા સમગ્ર જીવસૃષ્ટિ પર ખતરો મંડાઈ રહ્યો  છે ત્યારે તા. 5 જૂના રોજ પર્યાવરણ બચાવ  અર્થે “વિશ્વ પર્યાવણ દિવસ” ઉજવવામાં આવે છે. આજે લોકો વધુને વધુ પર્યાવરણ અર્થે જાગૃત થઈ રહ્યા છે, ત્યારે હિન્દુ ધર્મની વિધિઓમાં પણ પર્યાવરણને અનુલક્ષીને આમૂલ પરિવર્તનો જોવા મળે છે.

હિન્દુ ધર્મમાં પરંપરાઓથી મૃત્યુ બાદ લાકડાની મદદથી દેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે સમયાંતરે પરિવર્તન આવતા હવે મૃતદેહોને વિદ્યુત ભઠ્ઠી અને ગેસ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવે છે.રાજકોટની વાત કરીએ તો, રાજકોટના મુખ્ય પાંચ સ્મશાનોમાં આધુનિક વિદ્યુત ભઠ્ઠી કાર્યરત છે. જયારે રામનાથપરા ખાતે ગેસ ભઠ્ઠી પણ કાર્યરત છે. જેનો ઉપયોગ  અગ્નિ સંસ્કાર માટે કરાય છે. વર્ષ 2023 માં પાંચ માસ દરમ્યાન 2491 લોકોના અગ્નિ સંસ્કાર વિદ્યુત ભઠ્ઠીમાં જયારે 1991 લોકોના અગ્નિ સંસ્કાર લાકડાના ઉપયોગથી કરવામાં આવ્યા છે.

આમ 56 % મૃતકોના પરિવારજનોએ વિદ્યુત ભઠ્ઠીનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.રાજકોટના રામનાથપરા સ્મશાનના સંચાલક સરગમ ક્લબના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, હવે સમય બદલાઈ રહ્યો છે. શિક્ષિત અને આધુનિક વિચારધારાવાળા લોકો લાકડાના બદલે વિદ્યુત ભઠ્ઠીને પ્રાથમિકતા આપે છે.  જેનાથી લાકડાની બચત સાથે સમયની બચત ઉપરાંત પર્યાવરણને નુકસાનીથી બચાવી શકાય છે.

અગ્નિદાહ માટે પ્રતિ વ્યક્તિ 10 મણ લાકડાની સરેરાશ ખપત ગણીએ તો વર્ષ 2023 માં જાન્યુઆરી થી મે માસ દરમ્યાન 2491 લોકોના અગ્નિ સંસ્કારમાં આશરે 25 હજાર મણ લાકડું બચ્યું છે. પ્રતિ મણ લાકડાનો ખર્ચ 110 રૂ. જેટલો આવે છે. એટલે કે 26 લાખ રૂ. જેટલી આર્થિક બચત થઈ છે. માત્ર એટલુંજ નહિ, સામે એટલા વૃક્ષ ઉપલબ્ધ રહેતા પર્યાવરણ પણ સમૃદ્ધ રહે છે.રાજકોટ ખાતે રામનાથપરા, બાપુ નગર,મોટા મવા સહિતના શહેરી વિસ્તારના સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠીમાં અગ્નિદાહનું પ્રમાણ વધારે છે. જયારે મવડી તેમજ રૈયા ગ્રામ્ય વિસ્તારના સ્મશાનમાં લાકડાનું પ્રમાણ થોડું વધારે જોવા મળ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણનું જતન કરવા માટે  ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા સ્મશાનગૃહોમાં સુધારેલી સ્મશાન ભઠ્ઠી લગાડવાની યોજના અમલી બનાવાઈ છે.  છેલ્લા 7 વર્ષમાં રૂ.29 કરોડથી વધુના ખર્ચે 6 હજારથી વધુ સ્મશાન ભઠ્ઠી લગાવાઈ છે.લોકો વધુને વધુ જાગૃત બને અને અગ્નિ સંસ્કાર વિધિ માટે વિદ્યુત ભઠ્ઠીનો મહત્તમ વપરાશ કરી પર્યાવરણને બચાવવાની કામગીરી માં પ્રોત્સાહક પ્રદાન આપે તે આજના સમયની માંગ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.