૯ મિનિટમાં લોડ ૮૬૦૦ મેગાવોટથી ઘટીને ૬૮૦૦ મેગાવોટ થઈ ગયો: ઓચિંતા લોડ ઘટાડાને કારણે વીજવિક્ષેપ ન પડે તે માટે વીજ તંત્રએ રાખી હતી આગોતરી તૈયારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રવિવારે રાત્રે ૯ વાગ્યે ૯ મિનિટ માટે કોરોના વાયરસની સામે લડત ભાગરૂપે દીપ પ્રગટાવીને એકતા બતાવવા કહ્યું હતું. આ સાથે જ લોકોને ઘરની લાઈટો પણ બંધ કરવા અપીલ કરાઇ હતી. પ્રધાનમંત્રીના આ કોલને ગુજરાતમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગુજરાત સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સમય દરમિયાન પાવરની લોડ ૧૮૦૦ મેગાવોટ જેટલો નીચો આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરમી શરૂ થઈ છે અને રાત્રીના ૯ વાગ્યે વીજ માગ વધતી હોય છે. એપ્રિલમાં આ દિવસોમાં સામાન્ય સંજોગોમાં ડિમાન્ડ ૮૬૦૦ મેગાવોટ જેટલી રહેતી હોય છે. તેની સામે આ રવિવારે ડિમાન્ડ રાત્રીના સમયમાં ઘટીને ૬૮૦૦ મેગાવોટ પર આવી હતી. દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી ગુજરાતમાં અંદાજે ૧૮૦૦ મેગાવોટ જેટલી વીજળીની બચત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ૯ મિનિટ માટે દેશભરમાં લોકોએ લાઈટો બંધ કરીને દિપ પ્રગટાવ્યા હતા ત્યારે વિજળીની બચતની સાથો સાથ એક નવી ઉર્જાનો સંચાર થયો હતો અને અદ્વિતીય નજારો પણ સર્જાયો હતો. જો કે રાત્રે નવ કલાકે અચાનક વીજલોડમાં ધરખમ ઘટાડો આવવાનો હોય તમામ સેન્ટરોમાં વીજતંત્ર અગાઉથી જ સર્તક રહ્યું હતું. વીજવિક્ષેપ ન પડે તે માટે તમામ સેન્ટરોમાં વીજતંત્રએ પુરતી આગોતરી તૈયારી કરી હતી જે સફળ નીવડી હતી.