અબતક,સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારિત જીલ્લો છે. ખેડૂતો પોતાની કોઠાસુઝ મુજબ બારે મહિના સીઝન મુજબ વિવિધ પાકોનું વાવેતર કરે છે. ત્યારે ચાલુ વર્ષે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વરસાદ ખેંચાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને 30 સપ્ટેમ્બર સુધીની જરૂરિયાત મુજબના પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના ડેમમાં હાલ અંદાજે 70% થી 80% પાણીની સપાટી જોવા મળી છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત આસપાસના અંદાજે 50થી વધુ ગામોને પીવા સહિત ખેડૂતોને સિંચાઈ માટે ધોળીધજા ડેમ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના પાણી આપવાના નિર્ણય બાદ આ ડેમની રિયાલિટી ચેક કરતા તેમાં ફૂલ 18 ફૂટની ક્ષમતા સામે 16 ફૂટ પાણી ભરેલું જણાઇ આવ્યું હતું. અને નર્મદા કેનાલ મારફતે પાણી આવક શરૂ હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે આ અંગે જીલ્લાના ખેડુતો એ તાત્કાલિક કેનાલો મારફત પાણી છોડવા અને ખેડુતોને પાયમાલ થતા બચાવવા સાહય આપવા અને વાવેતર બચાવવા સરકાર પાસે ગુહાર લગાવી હતી. જેમાં ખેડુતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહેતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકારે જાહેરાત કર્યા બાદ પણ સુરેન્દ્રનગર જીલ્લાની મુખ્ય અને માઈનોર કેનાલમાં પુરતુ અને નિયમિત પાણી ન મળતું હોવાનું જણાવ્યું હતું.
આમ સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારે સિંચાઈ માટે પાણી આપવાનો્ નિર્ણય કર્યા બાદ પણ પુરતુ અને નિયમિત પાણી ન મળતા ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી અને સરકાર દ્વારા પુરતુ પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અગામી દિવસોમાં જો હજુ વધુ વરસાદ ખેચાસે તો ખેડુતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જાય તેવી ભીતી સેવાઇ રહી છે.