ભારતમાં વાઘની સંખ્યા ૨૯૬૭ને આંબી: વાર્ષિક ૬%ની વૃદ્ધિ
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)એ વકીલ અનુપમ ત્રિપાઠીની અરજીના જવાબમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં વાઘની વસ્તી અંગે માહિતી આપી છે. જેમાં તેમણે કહ્યું હતું કે દેશભરમાં વાઘની સંખ્યા ઘટી રહી છે તેવા વાઘની વસ્તીને બચાવવા માટે નિર્દેશો માંગવામાં આવ્યા છે. સોગંદનામામાં રજૂ કરવામાં આવ્યું હતું કે, હાલની આશરે ૨૯૬૭ વાઘની વસ્તી સાથે વિશ્વમાં કુલ વાઘની વસ્તીના પ્રમાણમાં ભારતમાં આશરે ૭૦% વૈશ્વિક જંગલી વાઘની વસ્તી છે અને વસ્તી વાર્ષિક ૬% ના દરે વધી રહી છે.
જવાબમાં ઉમેરવામાં આવ્યું છે કે, લગભગ ૧૨ વર્ષના ગાળામાં (વાઘ સંરક્ષણ પર સેન્ટ પીટર્સબર્ગ ઘોષણા અનુસાર ૨૦૨૨ ના લક્ષિત વર્ષ કરતાં ઘણું પહેલાં) તેના જંગલી વાઘની વસ્તીને બચાવવા અને બમણી કરવામાં ભારતની સફળતા પ્રશંસનીય છે, ખાસ કરીને જ્યારે વૈશ્વિક સ્તરે વાઘની વસ્તી અત્યંત જોખમી પરિસ્થિતિમાં છે. વાઘના શરીરના અંગોની ગેરકાયદેસર વધતી જતી માંગને કારણે વાઘનો શિકાર કરાઈ રહ્યો છે.
જસ્ટિસ કે એમ જોસેફ અને બી વી નાગરથનાની બેંચ સમક્ષ આ મામલામાં હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જંગલમાં પ્રાણીઓની કુલ સંખ્યાને બચાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી હતી. તેણીએ એફિડેવિટમાંથી ધ્યાન દોર્યું કે, ભારતનું વાઘ અનામત નેટવર્ક ૨૦૧૮માં ૫૦ની સરખામણીમાં હવે ૫૩ સુધી વિસ્તર્યું છે. યુપીમાં એક નવું વાઘ અભ્યારણ રાણીપુર ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે.