આમ તો આપણા દેશમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર પણ છે અને સૌથી ઓછો વરસાદ ધરાવતો પ્રદેશ પણ આપણા દેશ પાસે છે. વિવિધ ભુપૃષ્ઠ પરિસ્થિતિ ભારતમાં આવેલી છે. આપણે સૌ ભારતવાસીઓએ આ આપણને મળેલી અમુલ્ય કુદરતી સંપતિની જાળવણી અને સલામતી માટે કટિબદ્ધ રહેવું અનિવાર્ય છે. ખાસ કરીને દિવસે ને દિવસે નાશ પામતી જંગલ સંપત્તિ, વાતાવરણમાં ગરમીનો અનિશ્ચિત વધારો, કલાઈમેટ ચેન્જ, પાણીની અછત, વનજીવનમાં મુશ્કેલીઓ, પ્રદુષણમાં વધારો અને બીજી પણ અનેક અનેક સમસ્યાઓ માનવ અસ્તિત્વનો સવાલ બની જશે.
આજ જો આપણે નહીં જાગીએ તો આવતી પેઢી માટે સ્વચ્છ હવા, પીવાલાયક પાણી, શુદ્ધ ખોરાકની સંપૂર્ણ ખોટ ઉભી થશે. વધતી જતી પાણીની અછતની સમસ્યા વિકરાળ બનશે. ત્રીજુ વિશ્વ યુદ્ધ સર્જાશે તો તેનું કારણ પાણી બનશે તેમાં શંકાને સ્થાન નથી. વધતાં જતાં શહેરી વિકાસની દોટમાં આપણે અમુલ્ય જંગલ સંપત્તિનો નાશ કરી બેઠા છીએ. બેફામ પાણીનો બગાડ, અમર્યાદિત પ્લાસ્ટીકનો ઉપયોગ, કુદરતી સંપતિનો વિનાશ કયાં જઈ અટકશે ? કોઈ જાણતું નથી.
ચોમાસામાં આવનાર વરસાદનું પાણી બેફામ વહી જાય છે. રોડ, રસ્તાનું પાણી નીચાણવાળા વિસ્તારમાં જઈ અટકી જાય છે. સુકાઈ જાય છે. તમામ ઘરની અગાશીમાંથી પડતુ પાણી, રોડ રસ્તા પર નિરર્થક વહી જાય છે. તેનો સંગ્રહ કે બચાવ થતો નથી. ગમે તેટલો વરસાદ પડે બસ ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર પાણીની અછત વર્તાવા લાગે છે. વરસાદી પાણીનો સંગ્રહ પુરતા પ્રમાણમાં થતો નથી.
ખેત તલાવડી કે નાના-નાના ચેકડેમ બનાવાતા નથી કે આ પાણી બચાવી શકાય. શહેરોમાં બહુમાળી ઈમારતોના શેલરમાં ખૂબ પાણીનો જથ્થો એકઠો થાય છે અને વરસાદ બંધ થયા બાદ કેટકેટલાંક દિવસો સુધી આવા શેલરોમાં પાણી દ્વારા રોડ પર વહાવી દેવામાં આવે છે. કેટલો મોટો પાણીનો જથ્થો વ્યર્થ જ બગાડી દેવામાં આવે છે. વેડફી દેવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, આપણી ભરપૂર વહેતી નદીઓ હવે સાવ સુકાઈ ગઈ છે. વોંકળાઓ ખાલી થઈ ગયા છે અને ધીમે ધીમે પાણીનાં સ્ત્રોતો ખુટતાં જાય છે. આવા સમયે જો આપણે વરસાદી પાણીનાં સંગ્રહ કે બચાવ બાબતે જાગૃત નહીં બનીએ તો ભવિશ્યનાં ટૂંક સમયમાં જ પીવાલાયક પાણી પણ પ્રાપ્ય નહીં રહે. આ બાબતે હવે આપણે સૌએ વિચારવાની જાગૃત બનવાની તાતી જરૂર છે.
પાણીની શોધમાં આજકાલ સમાચાર પત્રોમાં વન્ય પાણીઓના શહેરો તરફનાં પ્રયાણની વાત આવતી રહે છે. જંગલો ઓછા થવાથી વૃક્ષો કપાવાથી ઘણા પક્ષીઓ પણ નાશ પામ્યા છે. ઘણા પક્ષીઓની વસવાટની સમસ્યા સર્જાય છે તો વન્ય, જંગલી પ્રાણીઓ પણ પાણી વગર મોતને ઘાટ ઉતરે છે. અથવા શહેરો તરફ પાણીની શોધમાં પ્રયાણ કરે છે.
યુવા મિત્રો તથા આજનાં સોશિયલ મિડિયા વાપરનારા સુજ્ઞ લોકો રોજબરોજ પર્યાવરણની સમસ્યાઓનાં ફોટાઓ ફોરવર્ડ કરે છે. એક બંધ નળ પર ચાંચ લગાવી બેસેલ પક્ષી કે પાણી વગર મૃત્યુ પામતા પશુ-પંખી પણ માત્ર સોશિયલ મીડિયા પર ફેસબુક-વોટસઅપમાં મેસેજ ફોરવર્ડ કરવાથી સમસ્યા હલ નહીં થાય. જેટલા વૃક્ષો કપાયા છે સામે તેટલી સંખ્યામાં વૃક્ષો વવાતા નથી. વવાય છે તો ઉછેરાતા નથી. ચોમાસા આવતા પહેલા તમામ લોકો એ વૃક્ષો ઉગાડવા તથા ઉછેરવા આગળ આવવું પડશે.
થોડા દિવસ પહેલા સમાચારપત્રમાં એક સમાચાર આવેલા કે એક વૃક્ષના કારણે એક બસ અકસ્માતમાં (૮૨ વ્યક્તિઓ) ઘણા લોકોનો જીવ બચી ગયો તથા તેમાં બસી ગયેલા લોકોએ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો. આપણે બધાં લોકો વર્ષમાં એક ઉછેર કરવાનો સંકલ્પ કરવા માટષ એવો ચમત્કાર આપણી સૌ સાથે થાય પછી જ લેશું ?? આવા સ્મશાન વૈરાગથી નહીં પરંતુ ખરેખર આપણા સૌના સાચા સાથી મિત્ર-જીવનદાતા વૃક્ષો છે તો આપણે સૌ તેમને વાવીએ તેમનો ઉછેર કરીએ. વૃક્ષનાં છાંયા નીચે તાપમાનનો તફાવત પણ નોંધાયેલ છે. જયારે બીજી જગ્યાએ તાપમાન ૪૦ ડિગ્રી હોય તો વૃક્ષનાં છાયા નીચે તાપમાન ૧ થી ૩ ડિગ્રી ઓછું હોય છે