કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક મળી
ભારત સરકાર દ્વારા ઘટતા સ્ત્રી જાતિદરને નિયંત્રણમાં લેવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર રાજ્યમાં “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અન્વયે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. કલેક્ટરએ કલેકટર કચેરીના પ્રાંગણમાં “બેટી બચાવો, બેટી પઢાઓ”નો શુભસંદેશો પ્રદાન કરતી આકર્ષક રંગોળીનું નિર્માણ કરાવી કલેકટર કચેરીએથી જ બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ભારતમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૦ થી ૬ વર્ષના વયજૂથમાં પ્રતિ ૧૦૦૦ દીકરાઓ દીઠ દીકરીઓની સંખ્યા ૯૧૮ છે.જે અત્યાર સુધીની દીકરીઓની સૌથી ઓછી સંખ્યા છે. ગુજરાતમાં દીકરાઓ દીઠ દીકરીની સંખ્યા ૮૯૦ છે.અને રાજકોટમાં દીકરીની સંખ્યા ૮૬૯ છે. જે સરકાર માટે ચિંતાનો વિષય છે. તેમ કલેકટરએ જણાવ્યું હતું.
આ બેઠકનું સંચાલન કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.જનકસિંહ ગોહિલ યોજનાના અમલીકરણ માટેના આગામી એક્શન પ્લાન રજુ કર્યો હતો.જે અંતર્ગત આગામી સમયમાં લોકોમાં આ સંદેશનું અમલીકરણ થાય તેવા હેતુથી બેટી બચાવો, બેટી પઢાઓ યોજનાને પ્રદર્શિત કરતોઆકર્ષક રથ, નાટક, રેલી, સૂત્ર લેખન, ગ્રામ સભા અને જૂથ મિટિંગનું આયોજન કરવામાં આવશે. આ એક્શન પ્લાનમાં ઘણા રચનાત્મક પગલાંઓ લેવાનું માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાએ પ્રદાન કર્યું હતું, કલેકટરએ પણ યોજનાના અમલીકરણ માટેના વ્યુહાત્મક સુચનો આપ્યા હતા. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ડો.શ્રુતિ મહેતાસંકલિત બાળ વિકાસ યોજનાના કો-ઓર્ડીનેટર વિજયભાઈ વ્યાસ અને અધિકારી યુ.ડી.કાસાણી, દહેજ પ્રતિબંધક કિરણ મોરીયાણી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.