બે વર્ષ પહેલા હાડીડાની ચકચારી ઘટનામાં
ધોળા દિવસે મહિલાને ગળેટૂંપો આપી રૂા.62,800ના ઘરેણાની લુંટ ચલાવી તી
બગદાણા અને મોટાખુંટવડા પોલીસ મથક વિસ્તારમાં મહિલાની હત્યા કરી લૂંટ ચલાવ્યાનું ખુલ્યુ હતું: બે સોની વેપારીને ત્રણ વર્ષની કેદ
સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે વર્ષ 2019 માં રૂા.62800 ના ઘરેણાની લૂંટ ચલાવી મહીલાની કરપીણ હત્યા નીપજાવવાના બનાવનો કેસ સાવરકુંડલાની અદાલતમાં ચાલી જતા સીરીયલ કીલરને આજીવન કેદ અને સોનાના ઘરેણા ખરીદનાર મહુવાના બે સોની વેપારીને ત્રણ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ સાવરકુંડલા નજીક હાડીડા ગામે જાનબાઈ નરસીભાઈ ઘોડાદરા નામના વૃઘ્ધાની ગત તા.24/9/19 ના રોજ ધોળા દિવસે રૂા.62800 ના ઘરેણાની લુંટ ચલાવી ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
આ ગુનાની ગંભીરતા લઈ એસ.પી. નિર્લિપ્ત રાયે એલસીબીને તપાસ સોંપી હતી. જેમાં ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કરમટા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ, મોબાઈલ લોકેશન અને બાતમીદારોના આધારે સેંદરડા ગામે રહેતો મીલન ભકા રાઠોડ નામનો શખ્સ સાવરકુંડલા-મહુવા રોડ પર શંકાસ્પદ હાલતમાં રખડતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ગોઠવેલી વોચમાં ગુનો આચરે તે પૂર્વે જ મીલન ભકા રાઠોડને અટકાયત કરી આકરી અને ઉંડી તપાસ કરતા મીલન ભકાએ જાનબાઈને મોઢા પર ઓંશિકુ દાબી અને ગળાટુંપો દઈ ખુન કરી તેમણે પહેરેલા સોનાના ઘરેણાની લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી.
જે ઘરેણા મહુવા ખાતે રહેતા મીહીર નયન મહેતા અને પ્રવીણ વિનોદ મહેતા નામના બન્ને સોની વેપારીને ઘરેણા મોકલ્યા હોવાની કબુલાત આપતા બન્ને સોની વેપારીની ધરપકડ કરી હતી.મીલન ભકા રાઠોડ રીમાન્ડ દરમિયાન તેણે બગદાણા નજીક આવેલ દેગવડા ગામે લીલીબેન ભાણાભાઈ બારૈયાનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી સોનાના ઘરેણાની લુંટ કર્યાની તેમજ મહુવા અને ખુટવડામાં પણ લુંટના ઈરાદે હત્યા કર્યાનુ બહાર આવ્યુ હતુ. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતા લઈ કાયદાશાખા દ્વારા સ્પે.પીપીની નિમણુંક કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા જે કેસની સાવરકુંડલાની અધિક સેશ.કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ આ કામે રાજ્ય સરકાર દ્વારા સ્પે.પીપી તરીકે નિમણુંક પામેલા અમરેલીના સીનીયર એડવોકેટ ઉદયનભાઈ ત્રિવેદીએ મીલન ભકા એકજ મોડસ ઓપરેન્ડીથી લુંટ કરી વૃઘ્ધાને નીશાન બનાવ્યા છે. આવા સીરીયલ કીલર ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. તબીબ, તપાસનીશ, ફરીયાદીની જુબાની લેવામાં આવી હતી ઈલેટ્રોનીક પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ટાકેલા ચુકાદાને ઘ્યાને લઈ સેશ.જજ ભૂમિકાબેન ચંદારાણાએ સૂત્રધાર મીલન ભકાને આજીવન કેદ અને દંડ તેમજ મીહીર મહેતા અને પ્રણવ મહેતાને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.