સાવરકુંડલા સમાચાર
સામાન્ય રીતે જુનવાણી પરંપરા મુજબ દિવાળીનો તહેવાર આનંદ, ઉમંગ અને હર્ષોલ્લાસથી ઉજવાતો હોય છે. તહેવાર બાદ લાભ પાંચમનો દિવસ શુભ કાર્યો માટેનો અતિ મહત્વનો સુકાર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે . આ તહેવારમાં સૌ પોત-પોતાના બિઝનેસ કે અન્ય કામોની શુભ શરૂઆત કરતા હોય છે .
સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા પ્રથમ દીપાવલીનો પર્વ મતદાતાઓની વચ્ચે ઉજવણી કરીને નવા વર્ષના આરંભે શુભ કાર્યનો શુભારંભ કર્યો હતો . વિકાસ કામોની પહેલ લાભ પાંચમના દિવસે કરીને નામના નહી પણ કામના ધારાસભ્ય તરીકેની ખ્યાતિ પામેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કર્યું હતું. જેમાં નવ નિર્મિત પંચાયત ઘર, સીસી રોડ, માઈનોર બ્રિજ, નાળા રીપેરીંગ, પ્રાથમિક શાળાનું બાંધકામ સહિતના 5 કરોડ 35 લાખના કામોનો શુભારંભ કરાવ્યો હતો .
ભુવા ગામે ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૬૪ લાખના ખર્ચે મંજુર કરાવેલ પ્રાથમિક શાળાનું આધુનિક બિલ્ડીંગનું ખાતમુહર્ત, ત્યારબાદ વંડા ગામે સરપંચ તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૨.૧૮ કરોડના ખર્ચે મંજુર થયેલ ગોપાલપરા – વંડા રોડના કામનું ભુમિપુજન કર્યું તેમજ રૂા.૨.૪૫ કરોડના ખર્ચે મંજુર કરાવેલ ધાર – પિયાવા રોડનું ભુમિપુજન કરેલ અને સાવરકુંડલાનું છેવાડાનું ગામ પાટી મુકામે સરપંચ તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં રૂા.૧૭ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયત ઓફીસનું લોકાર્પણ કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશ કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, જીલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઇ ગજેરા, ભાજપ અગ્રણી રાણાભાઇ રાદડીયા, તાલુકા ભાજપા પ્રમુખ જીવનભાઇ વેકરીયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રમોદભાઇ રંગાણી, તાલુકા ભાજપ બક્ષીપંચ મોર્ચાના કિશનભાઇ ખુમાણ, વંડા સરપંચ વાલાભાઇ સાટીયા, ભાજપ આગેવાન જીવનભાઇ જાદવ, ભોળાભાઇ ઢોલરીયા, પાટી સરપંચ હિરાભાઇ બગડા સહીતના સ્થાનિક આગેવાનો જોડાયેલ હતા.