પેરોલ જંપ કરેલા શખ્સ સહિતનાઓએ સાક્ષીઓના ઘર બહાર આગ લગાવી સીસીટીવી કેમેરા તોડી નાખ્યાં
સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે ગુજસીટોક ગુનામાં સંડોવાયેલા આરોપીએ પેરોલ જંપ કરી ફરી લખણ ઝળકાવ્યા હતા. જેમાં ફરિયાદમાં રહેલા સાક્ષીઓ સાથે સમાધાન કરવાના ઇરાદે મોડી રાત્રીના અમુક શખ્સોએ આતંક મચાવ્યો હતો અને તેમના ઘર પાસે આગ લગાવી સીસીટીવી કેમેરા તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોલતી ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દેવાતભાઈ વાઘાભાઈ બલદાણીયા (ઉ.વ.64) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે રાત્રીના જીજે 03 એલઆર 6912 નંબરની કારના ચાલકે તેમના ઘર પર રહેલા સીસીટીવી કેમેરા તોડી આગ લગાવી હથિયાર બતાવી ધમકી આપી હતી.
ત્યાર બાદ આ કાર ચાલકે તેમના ગામના ગોબરભાઈ સામત વાઘમશીના ઘરના ડેલા પર પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી ગયા હતા. ત્યાર બાદ આંબરડી ગામના રસ્તે રહેતા નરશીભાઈ હાદાભાઇ કાછડના ડેલા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ’તું મોહનભાઇ પરડવાની ફરિયાદમાં સાક્ષી બનેલા છો, તને જાનથી મારી નાખવો છે’ તેવી ધમકી આપી નાસી ગયો હતો.
પોલીસની વધુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ નરશીભાઈ કાછડ ગુજસીટોકની થયેલી ફરિયાદમાં દાદાભાઈ નાથાભાઈ ચાંદુની વિરુદ્ધ સાક્ષી હોય જેથી સમાધાન કરવાના ઇરાદે અજાણ્યા શખ્સોએ આતંક ફેલાવ્યો હોવાનુ સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી દાદુ ઉર્ફે દાદેશ ચાંદુ, કાર ચાલક અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.