નાદુરસ્ત હાલતમાં કુમળા બાળકોને રાજકોટની હોસ્પિટલમાં મૂકી નિષ્ઠુર જનેતા સહિતનો પરિવાર ભેદી રીતે લાપતા
સાવરકુંડલાના ધજાડી ગામે રહેતી પરિણીતાએ સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકની તબિયત નાજુક જણાતા બંને નજાતને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નવજાત બાળકોને તરછોડી નિષ્ઠુર માતા-પિતા પલાયન થઈ ગયા હતા. જે દરમિયાન સારવાર લઇ રહેલા એક નવજાત બાળકનું મોત નીપજ્યુ હતું. નાતાંદુરસ્ત કુમળા બાળકોને રાજકોટની હોસ્પિટલમાં મૂકી નિષ્ઠુર જનેતા સહિતના પરિવારજનો ભેદી રીતે લાપતા થઈ જતાં પોલીસે તેઓની શોધખોળ હાથધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલાના ધજાડી ગામે રહેતી રીના વિજય પિરગી નામની પરિણીતાને ગત તા.6ના રોજ પ્રસુતિની પીડા ઉપડતા તેણીને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ એક પુત્ર અને એક પુત્રી એમ જુડવા બે બાળકોને જન્મ આપ્યો હતો. જે બંને નવજાત શિશુની તબિયત નાજુક જણાતા તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બને જુડવા બાળકોને તરછોડી નિષ્ઠુર માતા-પિતા ફરાર થઈ ગયા હતા.
સારવાર લઇ રહેલા એક નવજાત બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો હતો. જ્યારે નવજાત બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે સાવરકુંડલા પોલીસને જાણ કરતા સાવરકુંડલા પોલીસે નોંધ કરી માસુમ બાળકોને તરછોડી નાસી છુટેલા નિષ્ઠુર માતા પિતાની શોધખોળ હાથ ધરી છે.