સાવર કુંડલા તાલુકાના સેંજળ ગામના બે સગા ભાઇઓ પર બે વર્ષ ચાલતી અદાવતના કારણે તેના જ ગામના સાત શખ્સોએ હિન્દી ફિલ્મના વિલનની જેમ કાર અને બાઇકમાં પીછો કરી કાર નીચે કચડી નાખવાનો અને કુહાડી, પાઇપ તેમજ ધોકાથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
બે વર્ષથી ચાલતી અદાવતના કારણે કોર્ટ મુદતેથી બાઇક પર પરત જતા બંને ભાઇઓને કાર નીચે કચડવા કર્યો પ્રયાસ
બાઇક પર પીછો કરીને આવેલા શખ્સોએ કુહાડી, પાઇપ અને ધોકા ફટકારી ખૂનની ધમકી દીધી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સેંજલ ગામે રહેતા હીરાઘસુ જનકભાઇ કાન્તીભાઇ ડુબાણીયા અને તેના ભાઇ હસમુખ સાવર કુંડલા કોર્ટ મુદતેથી પરત પોતાના ગામે જતા હતા ત્યારે મોટા જીંજુડા ગામ પાસે બાઇક અને કાર લઇ પીછો કરી આવેલા તેના જ ગામના પૃથ્વીરાજ અખુ ખુમાણ, ગૌતમ નાજભાઇ ખુમાણ, યુવરાજ દીલુભાઇ વીંછીયા, રવિરાજ દીલુભાઇ વીંછીયા, નરેશ દીલુભાઇ ખુમાણ અને ભગીરથ જયુભાઇ જેબલીયા સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી છે.
બે વર્ષ પહેલાં કાઠી દરબારો સાથે ઝઘડો થયા અંગેની નોંધાવેલી ફરિયાદની સાવર કુંડલા કોર્ટમાં મુદત હોવાથી જનકભાઇ ડુબાણીયા અને તેના નાના ભાઇ હસમુખ ડુબાણીયા પોતાના જી.જે.11ઇઇ. 8158 નંબરના બાઇક પર સેંજળથી સાવર કુંડલા કોર્ટ મુદતે આવ્યા હતા. બપોરે બંને ભાઇઓ બાઇક પર પરત જતા હતા ત્યારે અગાઉથી કાવતરુ ઘડીને સાવર કુંડલાના જેસર રોડ પરના રેલવે ફાટક પાસે પહોચ્યા ત્યારે ભગીરથ ત્યાં ઉભો હતો તેને બાઇક પર પીછો કર્યો હતો. પૃથ્વીરાજ ખુમાણ સહિતના શખ્સો કાર લઇ ઘસી આવ્યા હતા. પ્રથમ બાઇકની ઠોકર મારતા બંને ભાઇ રોડ પર પડી જતા કાર નીચે કચડવા પ્રયાસ કર્યો હતો. આથી પરિસ્થિતી પામી બંને ભાઇઓ ઘસી જતા કાર ફરી રિવર્સમાં લઇ કાર નીચે ચગદી નાખવા પ્રયાસ કરી કારમાંથી નીચે ઉતરી કુહાડી, પાઇપ અને ધોકાથી હુમલો કરી ભાગી ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા જનકભાઇ ડુબાણીયા અને તેના ભાઇ હસમુખ ડુબાણીયાને સારવરા માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સાવર કુંડલા રુલર પોલીસે જનકભાઇ ડુબાણીયાની ફરિયાદ પરથી પૃથ્વીરાજ ખુમાણ સહિત છ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.