સોના ચાંદીની સામ સામી ચાલ: બુલીયન માર્કેટ મુંઝવણમાં
સેન્સેકસમાં આશાસ્પદ બજેટ બાદ સતત ત્રણ દિવસ તેજીનો તિખારો જોવા મળતા રોકાણકારોની સંપતિ ૧૧ લાખ કરોડ જેટલી વધી ચૂકી છે. આજે પણ સેન્સેકસમાં તેજી જોવા મળી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ફરીવાર ૫૦,૦૦૦ના આંકને પાર કરીને ટ્રેડ થઈ રહ્યો છે.
અત્યારે ૪૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ફરીથી ઈન્ડુસીન્ડ બેંકમાં ૫ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ટોબેકો અને કેમીકલ સીવાયના તમામ સેકટરમાં તેજી જોવા મળી છે. ખાસ કરીને બેન્કિંગ સેકટરમાં આજે ધોમ લેવાલી જોવા મળી છે.
બીજી તરફ સોના અને ચાંદીમાં સામસામેની ચાલ જોવા મળતા બુલીયન માર્કેટના રોકાણકારો મુંઝાયા છે. આગામી સમયમાં સોનાના ભાવ ઘટે અને ચાંદીના ભાવમાં તિખારો જોવા મળે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે ચાંદીનો કોમર્શીયલ ઉપયોગ ખુબ વધ્યો છે.
પરિણામે નજીકના ભવિષ્યમાં જ ચાંદી ૧ લાખની સપાટીએ પહોંચે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે સોનુ રૂા.૧૮૦ના વધારા સાથે ૪૮,૦૦૦ જ્યારે ચાંદી રૂા.૧૧૦૦ના વધારા સાથે ૬૮૬૭૫ની સપાટી નજીક ટ્રેડ થઈ રહી છે.
સોનુ સૌથી સુરક્ષીત રોકાણ પૈકીનું એક છે. ભારતમાં પીળી ધાતુ એટલે કે સોના તરફ લોકોનો પ્રેમ વધુ છે. દેશની જીડીપી જેટલું સોનુ મંદિરો અને ઘરોમાં સંગ્રહાયેલું છે. આવી સ્થિતિમાં સોનાના ભાવને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો અસર કરે છે. સોના પ્રત્યેનો લોકોનો લગાવ એવો છે કે જ્યારે કોઈપણ આફત આવે ત્યારે અન્ય રોકાણનો ઉપયોગ સૌથી પહેલા કરશે.
સોનુ વેંચવા અથવા ગીરવે મુકવાનો વિકલ્પ સૌથી અંતિમ હોય છે.
સોના-ચાંદીની સામસામી ચાલની શકયતાના પરિણામે બુલીયન બજારમાં ભારે મુંઝવણનો અનુભવ થઈ રહ્યો છે. શેરબજારના રોકાણકારો માટે અત્યારનો સમય બલ્લે-બલ્લેનો છે. છેલ્લા ત્રણ ટ્રેડીંગ દિવસમાં જ બીએસઈ અને એનએસઈમાં ભારે અફરા-તફરી સાથે રોકાણકારોની વેલ્થ વધી છે. ત્રણ દિવસમાં ૧૧ લાખ કરોડથી વધીને ૧૯૬ લાખ કરોડે પહોંચી છે. છેલ્લા ત્રણ ટ્રેડીંગ સીઝનથી કેટલાક સ્ટોકમાં ધોમ તેજી જોવા મળી છે. ઉપરાંત ઈન્ડીંગો અને હોમ ફર્સ્ટ ફાઈનાન્સ જેવા આઈપીઓ પણ ૨ દિવસની અંદર ઉંચી વેલ્યુએ ખુલ્વાથી રોકાણકારોને વધુ રાહત થઈ છે.
નોંધનીય છે કે, સેન્સેકસમાં છેલ્લા ૨ મહિનાથી ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ વોલેટાઈલ હોવાથી ૪૦૦ થી ૫૦૦ પોઈન્ટના કડાકા-ઉછાળા સામાન્ય બની ગયા છે. સેન્સેકસ વિક્રમી ૫૦,૦૦૦ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે હજુ સેન્સેકસ તરફ વધુ પરિપક્વ રોકાણકારો આકર્ષાઈ રહ્યાં છે.