માત્ર ધમણ-૧ની જ ખોચરાઈ કેમ? મારૂતીની સંલગ્ન કંપની આગવાનાં હાઈએન્ડ વેન્ટીલેટર વિશે કોઈ ટીકા-ટિપ્પણી કેમ નહીં?
હાઈએન્ડ વેન્ટીલેટર ધમણ-૩ ટૂંક સમયમાં લોકોની સેવા માટે સરકારને સોંપાશે કંપ્રેશર, મિક્ષર, હુમીડીફાયર અને કેલીબ્રેશન જેવા ઉપકરણોનો કરાશે ઉપયોગ
કોરોનાને લઈ જે લોકોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તે તમામને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવતા હોય છે અથવા તો એવા દર્દીઓ કે જેને વેન્ટીલેટરની જરૂર પડતી હોય તે માટે ઉપયોગમાં લેવાય છે. ગુજરાત રાજયમાં આપાતકાલીન સમયમાં વેન્ટીલેટરની અછત ઉભી ન થાય તે હેતુસર રાજકોટની જયોતી સીએનસી કંપની દ્વારા ધમણ-૧ નામનું વેન્ટીલેટર બનાવવામાં આવ્યું છે જે ઈમરજન્સી એટલે કે આપાતકાલીન સમયમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેન્ટીલેટરને મેડિકલની પણ પરવાનગી મળી ગયેલ હોવાથી ૯૦૦ જેટલા વેન્ટીલેટરો ગુજરાત રાજય સરકારને આપવામાં આવ્યા છે પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી જેમાંથી વેન્ટીલેટરને લઈ સૌરાષ્ટ્રની અસ્પૃશ્યતા છતી થઈ હોય. જયોતી સીએનસી કંપનીનાં પરાક્રમસિંહ જાડેજા દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર ધમણ-૧ની જ ખોચરાઈ શું કામ કરવામાં આવી ? કારણકે ધમણ-૧ સિવાય નવીદિલ્હીની આગવા કંપનીનાં હાઈએન્ડ વેન્ટીલેટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ધમણ-૧ અને આગવા વેન્ટીલેટરનું જે કાર્ય હોવું જોઈએ તે ધાર્યા પરિણામ મુજબનું ન આવતા અન્ય હાઈએન્ડ વેન્ટીલેટરોની માંગણી ઉઠવા પામી છે ત્યારે જે મીડિયા દ્વારા ધમણ ઉપર જે આક્ષેપ મુકવામાં આવ્યા છે તેનું શું કારણ તે હજુ સુધી સામે આવી શકયું નથી.
સ્વદેશી વેન્ટીલેટર ધમણ-૧ની ગુણવતાને લઈ આજે વિવાદ જે સર્જાયો છે તેમાં નવો વળાંક પણ આવ્યો છે જે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં સ્પેશિયલ ડયુટી પર ઉપસ્થિત તબીબોએ ધમણ-૧ ઉપયોગી હોવાનું પણ જણાવ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને શરૂઆતનાં તબકકે જ કૃત્રિમ રીતે ઓકિસજન પુરુ પાડવા માટે ધમણ-૧નો અત્યંત ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જયારે દર્દી ક્રિટીકલ કંડિશનમાં હોય તો હાઈએન્ડ વેન્ટીલેટરનો ઉપયોગ કરાય છે. આ તકે વધુ વાતચીતમાં જયોતી સીએનસીનાં પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર કંપનીને પૂર્ણત: સપોર્ટ કરી રહી છે પરંતુ હવે જે પ્રશ્ર્ન ઉદભવિત થયો છે તે વિશ્ર્વાસનીયતા પરનો છે. રાજકોટની સ્થાનિક જયોતી સીએનસી કંપની દ્વારા આપાતકાલીન સમયમાં વેન્ટીલેટરોની અછત ન થાય તે માટે જે બીડુ ઝડપ્યું છે અને ત્યારે તેજ વેન્ટીલેટર સામે બેબુનિયાદી આક્ષેપો મુકવામાં આવે તો તે ખરાઅર્થમાં ચિંતાનો વિષય છે. ધમણ-૧ વેન્ટીલેટર બનાવવા માટે કંપનીએ જરૂરીયાત મુજબનાં તમામ પગલાઓ અને તમામ સર્ટીફીકેટો તંત્ર પાસેથી એકત્રિત કર્યા છે જેથી તેની વિશ્ર્વાસનીયતા પર કોઈપણ પ્રકારનો પ્રશ્ર્ન ઉદભવિત થઈ શકતો નથી ત્યારે આવનારા સમયમાં હાલ જે વિવાદ ઉદભવિત થયો છે અને જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેનાં ઉપર ખરાઅર્થમાં ચર્ચા પણ કરવામાં આવશે.
જ્યોતિ સીએનસીની હાઈએન્ડ વેન્ટીલેટર ધમણ-૩ બનાવવા તરફ કુચ: પરાક્રમસિંહ જાડેજા
જયોતી સીએનસીનાં પરાક્રમસિંહ જાડેજા દ્વારા અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ધમણને લઈ જે વિવાદ વઘ્યો છે તેને એક તરફ રાખી કંપની લોકોનાં સ્વાસ્થ્યની તકેદારી રાખી ધમણ-૩ વેન્ટીલેટર બનાવવા તરફ આગળ વધી છે. આ વેન્ટીલેટર હાઈએન્ડ વેન્ટીલેટર તરીકે કાર્ય કરશે જે અનેકવિધ રીતે ઉપયોગમાં લેવાશે. આ વેન્ટીલેટર હાલ ટેસ્ટીંગ મોર્ડ તરફ આગળ વધી રહ્યું છે અને નજીકનાં સમયમાં ધમણ-૩ વેન્ટીલેટર લોકોની સેવામાં સરકારને અપાશે. હાલ વિવાદ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર અને જયોતી સીએનસી લોકોનાં હિત માટે અને લોકોનાં સ્વાસ્થ્યને બરકરાર રાખવા માટે કામ કરી રહી છે. કંપની હાલ જે વેન્ટીલેટર બનાવે છે તેમાં કોઈપણ કોમર્શીયલ હકક હિસ્સો રાખવામાં આવ્યો નથી. આ માત્ર સેવા અર્થે જ કરવામાં આવેલું કાર્ય છે પરંતુ હાલ જે રીતે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેનાથી તે વાત સ્પષ્ટ થાય છે કે, આમાં કયાંકને કયાંક આરોપ લગાવતું મીડિયા અને અન્ય લોકોનાં વિચાર નકારાત્મક હોવાનું સામે આવ્યું છે પરંતુ કંપની આ કોઈ વાતની પરવાહ કરશે નહીં અને સરકારની સાથે રહી વેન્ટીલેટરનું નિર્માણ પણ કરશે.