હળવદના મયુરનગરમાં વિજળી પડતા મોત: દામનગરમાં કરા પડયા
ધોરાજી, ઉપલેટા, મોટી મારડ, જામકંડોરણા પંથકમાં માવઠુ: ખેડુતોને પારાવાર નુકશાન
સિસ્ટમ વિખેરાય આજે એકાદ-બે સ્થળે હળવા ઝાપટાની સંભાવના
ગરમીનો પારો ઉંચકાશે: લુ લાગવાથી એક વ્યકિતનું મોત નિપજયું
રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી ચૈત્ર માસમાં અખાઢી માહોલ જોવા મળી રહ્યો છે. અપરસેટ સાયકલોનીક સરકયુલેશન તથા સીબી કલાઉઝની અસર તળે છેલ્લા સાત દિવસથી રાજયમાં છુટાછવાયા વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડી રહ્યો છે.બુધવારે સૌરાષ્ટ્રમાં કમૌસમી વરસાદે કહેર વરસાવ્યો હતો. વિજળી પડવાના કારણે હળવદના મયુરનગરમાં માસી અને ભાણેજના કરુણ મોત નિપજયા હતા. દામનગર પંથકમાં તોફાની વરસાદ સાથે કરા પડયા હતા તો મોરબીના માળીયા મીંયાણા, રાજકોટના ધોરાજી, ઉપલેટા, મોટી મારડ પંથકમાં, જામનગર જીલ્લામાં કમૌસમી વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર અપરએર સાયકલોનીક સરયુલેશન ની સિસ્ટમ વિખેરાય ગઇ છે. સીબી કલાઉડના કારણે આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટા પડે તેવી શકયતા રહેલી છે. આજથી ગરમીનું જોશ વધશે અને મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી જેટલો ઉંચકાશે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા સાતેક દિવસ છુટાછવાયા વિસ્તારોમાં પડી રહેલા કમૌસમી વરસાદના કારણે ખેડુતોને પારાવાર આર્થીક નુકશાની વેઠવી પડી છે. ચૈત્ર માસમાં દનૈયા તપવાના બદલે અષાઢી માહોલ સજોતા અને વરસાદ પડવાના કારણે લોકોના મન ઉચાટ થઇ ગયા છે આ વર્ષ ચિંતા લોકોને સતાવી રહી છે. દરમિયાન કાલે બપોરે લુ લાગવાથી એક વ્યકિતનું મોત નિપજયું હતું.
હળવદ
હળવદના મયુરનગરમાં અચાનક વાતાવરણમાં બદલાવ સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા વીજળી પડવાને કારણે સગા માસી – ભાણેજના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના મયુરનગરમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા જેવો પવન અને ગાજ વિજના કડાકા – ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, દરમિયાન આજ સમયે સીમમાં લાકડા લેવા ગયેલા સીમાબેન વિષ્ણુ ભાઈ કુવાડીયા (ઉ.૨૫) રહે મયુરનગર તથા મેહુલકુમાર ઈશ્વર ભાઈ તડવી ઉ ૭ રહે પાનવડ તા કવાંટ જી વડોદરા વાળા ઉપર કાળ બનીને વીજળી પડતા બંનેના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને પગલે નાના એવા મયુરનગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને બન્ને મૃતક માસી ભાણેજના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉપલેટા
ઉ૫લેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યા બાદ ગાજવીજ સાથે હળવા ઝાપટા શરુ થયા હતા. બાદમાં જોરદાર પવન સાથે વરસાદ શરુ થતાં અડધો કલાકમા અડધો ઇંચ વરસાદ પડી જતા કાળઝાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ માણવા માટે બાળકો, લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ જગતનો તાત ગણાતા ખેડુતોએ પોતાના ઘઉ, લસણ, ડુંગળી જેવા પાકો હજુ સુધી ખેતરમાં પડેલ હોવાથી તેઓને વરસાદના લીધે વ્યાપક પણે નુકશાન થયાનું ખેડુતો જણાવી રહ્યા છે.
ધોરાજી
અચાનક વાતાવરણ માં પલટો આવતા ભારે પવન અને ગાજ વિજ સાથે વરસાદ અમી છાંટણા થયો અને શહેર ના તમામ માર્ગો પાણી પાણી થઈ ગયાં હતાં અને આ માવઠા વરસાદ થી લોકો એ થોડા સમય પુરતી ગરમી થી રાહત અનુભવી હતી ધોરાજી પંથકમાં માવઠા નો વરસાદ થયો હતો આ કમોસમી વરસાદ પડતા ધરતી પુત્રો નો ખેતરમાં ઘઉં લસણ જેવાં અન્ય પાકો પલળતા પાક ને નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે આ કમોસમી વરસાદ પડતા ધરતી પુત્રો ચિંતાતુર થઈ ગયાં છે ધોરાજી ઉપલેટા જામકંડોરણા અને આજુબાજુના વિસ્તારમાં ગાજ વિજ સાથે વરસાદ પડયો હતો.
દામનગર
દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં વાજડી સાથે ક મોસમી વરસાદ સાંજ ના સાત કલાકે ભારે પવન સાથે વરસાદ દામનગર ના ભીંગરાડ છભાડીયા માં વરસાદ સાથે કરા પડ્યા દામનગર સહિત ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ભારે પવન અને ધૂળ ની ડમરી પછી એકાએક વરસાદ શરૂ થયો અને તળાતડી સાથે કરા પડ્યા અમુક જગ્યા એ સફેદ કરા નો પાળો થયો કમોસમી વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારો માં વીજળી ગુલ સાંજ ના સાત કલાક થી અચાનક વરસાદ શરૂ થતાં ઘણી જગ્યા એ માલ સામાન પલળવા થી નુકશાન માટી કામ કરતા પ્રજાપતિ ઓ ની ભઠી ઓ પર કાચી ઇંટો સૂકી નિરણ પલળી દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો માં વીસ ઉપરાંત ગ્રામ્ય માં કરા સાથે વરસાદ પડ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,