ઇંગ્લેન્ડના ઓવેલ સ્ટેડિયમ ખાતે 7 થી 11 જૂન દરમિયાન રમાનારી
બીસીસીઆઇની સિલેક્શન કમિટી દ્વારા રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાના 15 સભ્યોના નામની ઘોષણા: ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટની પસંદગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના ઓવેલ ખાતે રમાનારી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ માટે આજે બીસીસીઆઇની પસંદગી સમિતિ દ્વારા સુકાની રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાના 15 સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ત્રણ સાવજો ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટની પસંદગી કરાઇ છે. છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ રહેલા સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા અજિંક્યે રહાણેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશીપની ફાઇનલમાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ ગદ્ગદીત થઇ ગયા છે. તેઓએ આ ઘટનાને સૌરાષ્ટ્ર માટે ગૌરવવંતી ગણાવી હતી.
તમામ ત્રણેય ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં ચેતેશ્ર્વર પુજારાએ ટીમ ઇન્ડિયાવતી 100 ટેસ્ટ મેચ રમવાની ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પ્રદર્શન ખૂબ જ સારૂં રહ્યું હતું અને તે ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધી સિરીઝ બન્યો હતો.
સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના સુકાની જયદેવ ઉનડકટ પણ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટીક ક્રિકેટમાં ખૂબ જ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે.
સૌરાષ્ટ્રના આ ત્રણેય ખેલાડીઓની ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી હોય તેઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી એસીએ શુભકામના પાઠવી રહ્યું છે.
તેઓએ વધુ ઉમેર્યું હતું કે વર્ષમાં 2022-2023ની સિઝનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત વિજય હઝારે ટ્રોફીમાં પણ ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. સ્ટેટ એ-અન્ડર-25ની ટ્રોફી પણ સૌરાષ્ટ્ર જીત્યું હતું.
વાઇસ કેપ્ટન કોઇ નહિં અજિંક્યે રહાણેની વાપસી
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે આજે બીસીસીઆઇ દ્વારા 15 સભ્યોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં હાલ આઇપીએલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા અજિંક્યે રહાણેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને વન-ડે શ્રેણીમાં નિષ્ફળ ગયેલા તથા હાલ આઇપીએલમાં પણ ફોર્મ મેળવવા માટે ઝઝૂમી રહેલા સૂર્યકુમાર યાદવને પણ પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત શ્રેયાંસ અય્યર ને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બુમરાહને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. માત્ર એક જ ટેસ્ટ રમાવાની હોવાના કારણે 15 સભ્યોની ટીમમાં કોઇને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી.
ટીમ ઇન્ડિયા
- રોહિત શર્મા (સુકાની)
- શુભમન ગીલ
- ચેતેશ્વર પુજારા
- વિરાટ કોહલી
- અજિંક્યે રહાણે
- કે.એલ.રાહુલ
- કે.એસ.ભરત (વિકેટ કિપર)
- આર.અશ્ર્વિન
- રવિન્દ્ર જાડેજા
- અક્ષર પટેલ
- શાર્દુલ ઠાકુર
- મોહમંદ શામી
- મોહમંદ સિરાઝ
- જયદેવ ઉનડકટ
- ઉમેશ યાદવ