૨૪ દિવસમાં ૧૨ના મોતથી ફફડાટ: ઠંડીના ચમકારા વચ્ચે સ્વાઈન ફલુના કેસમાં વધારા સાથે આરોગ્ય તંત્ર એલર્ટ: ૩૬ દર્દીઓ સારવારમા
વાતાવરણમાં પલટો આવ્યાની સાથે સ્વાઈન ફલુ વધુ સક્રિય બન્યો હોય તેમ દિન-પ્રતિદિન સ્વાઈન ફલુના દર્દીઓમાં વધારાની સાથો-સાથ મોતની સંખ્યામાં પણ વધારો થતો હોવાની આરોગ્ય તંત્રમાં સ્વાઈન ફલુ ચિંતાનો વિષય બની રહ્યો છે. ગત તા.૨૨ના રોજ સ્વાઈન ફલુમાં ચાર દર્દીઓના મોત નિપજયા હતા. જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે દર્દીઓના મોત નિપજતા નવા વર્ષનો મૃત્યુઆંક ૧૨ સુધી પહોંચી રહ્યો છે. જયારે વધુ ૯ પોઝીટીવ કેસ નોંધાયા છે.
વાતાવરણમાં ઠંડીનો માહોલ વધતા જ સ્વાઈન ફલુ વાયરસ વધુ તાકાતવર બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગત તા.૨૩મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં નવ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં જસદણના જૂના પીપળીયાના ૫૬ વર્ષીય પ્રૌઢ, કાલાવાડના ૫૦ વર્ષીય પ્રૌઢ, અમરેલીની ૩૦ વર્ષીય યુવતી, અમદાવાદની ૨૮ વર્ષીય યુવતી રાજકોટના ૫૩ વર્ષીય પ્રૌઢ, ૬૧ વર્ષીય પ્રૌઢા, ૫૮ વર્ષીય પ્રૌઢા, ૫૦ વર્ષીય પ્રૌઢ અને ૬૦ વર્ષીય વૃધ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જયારે ગત તા.૨૨ જાન્યુઆરીના જ સ્વાઈન ફલુ સારવારમાં ૪ દર્દીઓએ દમ તોડયો હતો. જયારે ગઈકાલે વધુ ગોંડલના મોટા દડવા ગામના ૫૫ વર્ષીય પ્રૌઢા અને જૂનાગઢના ૫૦ વર્ષીય પ્રૌઢનું મોત નિપજતા વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં જ ૧૨ દર્દીઓના મોત નિપજયા છે.
વર્ષ ૨૦૧૯ની શરૂઆતથી ૨૪ દિવસોમાં જ ૭૫ કેસ નોંધાયા છે. જયારે ૧૨ દર્દીઓના મોત નિપજયા છે. જેમાં રાજકોટમાં ૨૦ કેસ નોંધાયા છે. જેમાં ૨ દર્દીઓના મોત નિપજયા છે. રાજકોટમાં ૨૫ પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં ૩ દર્દીઓના મોત નિપજયા છે અને અન્ય જિલ્લાઓમાં ૩૦ પોઝીટીવ કેસ નોંધાયા છે અને ૭ દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટ શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં ૩૬ જેટલા દર્દીઓ સ્વાઈન ફલુ હેઠળ સારવારમાં દાખલ છે.
૧લી સપ્ટેમ્બરથી શરૂ થયેલા સ્વાઈન ફલુના કહેરમાં ચાર માસમાં ૧૫૮ કેસ નોંધાયા હતા. જયારે ફકત જાન્યુઆરી માસમાં જ ૭૫ કેસ નોંધાઈ રહ્યાં છે અને કુલ ૩૬ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર હેઠળ છે.
સ્વાઈન ફલુના કહેર સામે આરોગ્ય તંત્ર અને તબીબો દ્વારા પણ જનતાને ખાસ સુચનાઓ અને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તબીબો દ્વારા જનતાને કહેવામાં આવી રહ્યું છે કે, સામાન્ય શરદી સમજી કાં તો ઘરેથી અથવા મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદી કરી જાતે ઉચાર કરે છે. પરંતુ એચ-૧ એન-૧ની સારવાર પ્રથમ તબકકે જ કરવામાં આવે તો સ્વાઈન ફલુને કાબુમાં કરી શકાય છે.
સ્વાઈન ફલુમાં નોંધાતા પોઝીટીવ કેસ અને મૃત્યુ પામતા દર્દીઓમાં ૯૦%થી પણ વધુ દર્દીઓ પ્રૌઢ અવસ્તાના નોંધાઈ રહ્યાં છે. જયારે ૧૮ વર્ષથી નીચેના વયજૂથમાં ૧૦ ટકા માટે સ્વાઈન ફલુ ઘાતક બન્યો છે.
સ્વાઈન ફલુના કહેર સામે મૃત્યુ પામતા દર્દીઓના સગા-સંબંધીઓને પણ ખાસ સુચનાઓ આપવામાં આવી રહી છે. તબીબો દ્વારા મૃત્યુ પામતા દર્દીઓના સગા-સંબંધીઓને જણાવામાં આવી રહ્યું છે કે સ્વાઈન ફલુના દર્દીની લાશને પ્લાસ્ટીકમાં વિટાળીને પરિવારજનોને આપવાનું શરૂ કર્યું છે. પણ આવા દર્દીની અંતિમવિધિ જેમ બને તેમ જલ્દી અને ચોકસાઈથી થાય તે જરૂરી છે. જયારે મૃતકની છાતી પર ઢળીને રડવું પણ ખતરનાક સાબીત થઈ શકે છે.