કોંગ્રેસ માટે આશાસ્પદ ગણાતી અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપને અકલ્પનીય લીડ
ગુજરાતમાં જાણે ૨૦૧૪ની લોકસભાની ચુંટણીનાં પરિણામનું પુનરાવર્તન થયું હોય તેમ રાજયની તમામ ૨૬ બેઠકો પર આન, બાન, શાન સાથે કમળ સોળે કળાએ ખીલી ઉઠયું છે. સૌરાષ્ટ્રની સાતેય બેઠકો પર કેશરીયો લહેરાયો છે. કોંગ્રેસ માટે આશાસ્પદ ગણાતી અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપને અકલ્પનીય લીડ પ્રાપ્ત થવા પામી છે તો રાજયની વિધાનસભાની ૪ બેઠકો પર પણ ભાજપ વિજેતા બન્યું છે.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા છે. ગત ચુંટણીની સરખામણીએ તેઓની લીડ ૧ લાખથી પણ વધુ મતોની વધી છે. ગત ચુંટણીમાં મોહનભાઈને ૨.૪૬ લાખની લીડ મળી હતી. આ વખતે તેઓને ૩,૫૫,૦૦૦થી વધુ લીડ પ્રાપ્ત થઈ રહી છે. જામનગર બેઠક પર ભાજપનાં ઉમેદવાર પુનમબેન માડમ વિજેતા બન્યા છે. ભાવનગર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળ ફરી પોતાનાં નજીકનાં હરિફ એવા મનહર પટેલને હરાવી તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. પોરબંદર બેઠક કે જયાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસમકસ હતો જયાં ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ધડુક વિજેતા બન્યા છે. જુનાગઢ બેઠક માટે એવું માનવામાં આવતું હતું કે, જો આ બેઠક ભાજપને મળશે તો રાજયની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલશે અને આ ચર્ચા ખરેખર સાબિત થઈ હોય તેમ ગુજરાત બેઠક પર ભાજપનાં ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કોંગ્રેસનાં ઉમેદવાર એવા ધારાસભ્ય પુંજાભાઈ વંશને હરાવી ફરી સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા છે તો અમરેલી બેઠક પર પણ જાયન્ટ કિલર ગણાતા કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને કારમો પરાજય આપી ભાજપનાં નારણભાઈ કાછડીયાએ જીતની હેટ્રીક લગાવી છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે સીટીંગ સાંસદ દેવજી ફતેપરાનાં સ્થાને ડો.મહેન્દ્ર મુંજપરાને ટીકીટ આપતા એવું માનવામાં આવતું હતું કે, આ બેઠક ભાજપનાં હાથમાંથી સરકી જશે પરંતુ સુરેન્દ્રનગરનાં મતદારોએ મુંજપરાને સહર્ષ સ્વિકારી લઈ તોતીંગ લીડ સાથે વિજય બનાવ્યા છે તો કચ્છ બેઠક પર વિનોદભાઈ ચાવડા જીતવામાં સફળ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચારેય બેઠકોની પેટાચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો
જવાહર ચાવડા, રાઘવજી પટેલ, પરસોતમ સાબરીયા અને આશાબેન પટેલ બન્યા વિજેતા
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર આન, બાન, શાન સાથે ફરી કમળ ખીલી ઉઠયું છે તો રાજયની વિધાનસભાની ૪ બેઠકો માટે યોજાયેલી પેટાચુંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે પોતાનાં નજીકનાં ઉમેદવાર એવા કોંગ્રેસનાં ઉમેદવાર જયંતીભાઈ સભાયાને પરાસ્ત કર્યા છે તો માણાવદર વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર અને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ અરવિંદભાઈ લાડાણીને પરાજય આપ્યો છે. હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર પરસોતમભાઈ સાબરીયા જીતવામાં સફળ રહ્યા છે તેઓએ કોંગ્રેસનાં દિનેશ પટેલને પરાજીત કર્યા છે તો ઉંઝા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર આશાબેન પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતી પટેલને પરાજય આપ્યો છે.