- ‘અબતક’ની મુલાકાતમાં ડો.સંજય પંડ્યાએ આપી પુસ્તક નિર્માણના વિચારથી લઇ રચના સુધીની સફળ તવારીખની વિગતો
Rajkot News
સૌરાષ્ટ્રના નિષ્ણાંત નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડ્યા દ્વારા પ્રેક્ટીકલ ગાઇડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપીની ત્રીજી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. ‘અબતક’ની મુલાકાતમાં ડો.સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે આ પુસ્તક માત્ર ભારતમાં જ નહિં સમગ્ર વિશ્વના તબીબો માટે ઉપયોગી બનશે. દર્દીઓને આઇવીએફના માધ્યમથી શું અને કેવી રીતે, કેવી દવા, પોષણ આપવું તે માટે કોઇ માપદંડ કે સંશોધન જ ન હતું. બંને સિનિયર ડો.યાજ્ઞિક અને ડો.કુલકર્ણીના માર્ગદર્શનથી પ્રેરણા મળી અને મેં આ દિશામાં સંશોધન શરૂ કર્યું. દાયકાના સંશોધન બાદ પુસ્તક સર્જનનો વિચાર આવ્યો અને ઇશ્વરના સહકારથી સર્જાયેલા આ સર્જનથી મને સંતોષ છે. જો કે, આ કામ માટે મારે, મારા દર્દીઓ, હોસ્પિટલ અને મારા પરિવારના સમયનો ભોગ લેવો પડ્યો તેનો મને વસવસો છે પણ આ પુસ્તકથી મને સંતોષ છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવતા નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડ્યા દ્વારા લિખિત પુસ્તક “પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઇડ થેરાપી” તૃતિય આવૃતિનું વિમોચન સમારંભ તા.11 ફેબ્રુઆરીને રવિવારના રોજ યુનિવર્સીટી રોડ ઉપર આવેલી બી. ટી. સવાણી કિડની હોસ્પિટલના ઓડોટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પુસ્તકનું વિમોચન મુખ્ય અતિથિ આઈ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ ડો.ભરત કાકડીયા, ગેસ્ટ ઓફ ઓનર આર્ષ વિદ્યામંદિરના સ્થાપક પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, ગુજરાત આઈ.એમ.એ. સેક્રેટરી ડો.મેહુલ શાહ, રાજકોટ આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડો.પારસ શાહ, રાજકોટના સીનીયર સર્જન ડો.એચ.ડી. હેમાણી, સિનિયર ફિઝિશ્યિન તબીબ ડો. એન. વી. શાહ અને બી. ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન ડો.વિવેક જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
“પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તક શા માટે છે અને તે કોને ઉપયોગી છે?
ડોક્ટરો માટે ઉપયોગી આ પુસ્તકમાં દાખલ થયેલા દર્દીઓને ચડાવવામાં આવતા આઇ.વી બોટલ્સના ઉપચાર પર પ્રાયોગિક માર્ગદર્શિકા રજુ કરવામાં આવી છે. એટલે કે દર્દીને ચડાવવામાં આવતા સોલ્ટ અને વોટરના વિજ્ઞાન ઉપર આધારિત આ પુસ્તક છે. આ પુસ્તક હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ક્યારે, કયા પ્રકારની, અને શા માટે આઈ.વી બોટલ્સનો ઉપયોગ કરવો તે વિષે તબીબોને વિગત વાર માહિતી આપે છે.
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2002 માં પ્રકાશિત કરવામાં આવી હતી, તે સમયે આ વિષય પર પ્રકાશિત થયેલું દેશનું પ્રથમ પુસ્તક હતું. ત્યારબાદ બીજી આવૃત્તિ 2007 માં પ્રકાશિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ પુસ્તકની એક લાખથી વધુ પ્રતો પ્રકાશિત થઇ છે. અર્થાત ભારતભરમાં આ વિષય ઉપર સૌથી વધુ વાંચવામાં આવતું અને વેચાતું આ પુસ્તક છે.
ફ્લડ થેરાપી પુસ્તકની ત્રીજી આવૃત્તિની વિશેષતાઓ :-
તાજેતરમાં પ્રકાશિત આ પુસ્તકની ત્રીજી આવૃત્તિની વિશેષતાની વાત કરતા ડો.સંજય પંડ્યા જણાવે છે કે આ પુસ્તક આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્યુડ થેરાપીની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી લખવામાં આવ્યું છે. આ પુસ્તકને તૈયાર કરવામાં સાત વર્ષ જેટલો સમય લાગ્યો છે અને છેલ્લા ચાર વર્ષથી આ પુસ્તકને વહેલી તકે પ્રકાશિત કરી શકાય તે માટે ડો.પંડ્યા દ્વારા તેમની તબીબી પ્રેક્ટીસનો સમય ઘટાડી અડધો દિવસ આ પુસ્તક લખવા માટે ફાળવતા હતા. જ્ઞાનકોશ સમાન આ પુસ્તકનાં 750 પાનામાં 12 ભાગ- 57 ચેપ્ટર અને 8830થી વધુ સંદર્ભોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જુદી-જુદી તમામ સ્પેશિયાલિટીમાં સાયન્ટિફિક રીતે ફ્લુઇડ કેવી રીતે આપવું જોઈએ તેની માહિતીની વિગતવાર છણાવટ કરવામાં આવી છે.
દર્દીની જુદી-જુદી બીમારી જેમ કે મધુ પ્રમેહમાં, મગજના રોગોમાં, ફેફસાની તકલીફમાં, પેટના રોગોમાં, કિડનીના રોગોમાં શું ધ્યાન રાખવું તેની સમજ આપવામાં આવી છે, અર્થાત શરીરની સિસ્ટમમાં જ્યાં તકલીફ હોય તેને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટમાં શું કાળજી રાખવી તેની છણાવટ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ડિસઓર્ડર, આઈ.સી.યુ., દર્દીઓના ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી શું ધ્યાન રાખવું, બાળકોના અલગ-અલગ રોગોમાં બાટલા કે ઇલેક્ટ્રોલેટ્સમાં શું ધ્યાન રાખવું, ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન અને સુવાવડ બાદ ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવી છે. ટૂંકમાં એ ટુ ઝેડ એટલે કે દર્દીની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તલસ્પર્શી લેટેસ્ટ માહિતી આપતું દેશનું નહીં પણ વિશ્વનું પહેલું અને એકમાત્ર આ પુસ્તક છે.
આ પુસ્તકમાં વિસ્તૃત માહિતી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈએ ન આપી હોય તેવી તમામ બાબતો જેમ કે મેડિકલ, સર્જીકલ, ઓબસ્ટ્રેટિસ અને પીડીયાટ્રીક્સ ડિસઓર્ડરસમાં ફ્લુઇડ થેરાપીનો સમાવેશ કરવામાં આવેલ છે. પુસ્તકના પ્રકાશન બાદ પણ ભવિષ્યમાં પણ નવા નવા સંશોધનોની તબીબોને લેટેસ્ટ માહિતી મળે તે માટે ઓનલાઇન રિસોર્સ આપી ઇનોવેટિવ રીતે તેની વ્યવસ્થા સૌપ્રથમ વખત કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પુસ્તકનું આંતરરાષ્ટ્રીય વર્ઝન અને ઈ વર્ઝન કીંડલ એપ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે.
ફલુઈડ થેરાપી પુસ્તકની તૃતિય આવૃત્તિનું બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં વિમોચન
11 ફેબ્રુઆરી રવિવારના રોજ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પુસ્તક અનાવરણ કાર્યક્રમમાં ફ્યુડ થેરાપી પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપપ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન રાજકોટના જાણીતા કાર્ડીઓથોરાસિક સર્જન ડો.ડેકિવાડિયા સાહેબે કહ્યું હતું. આ પુસ્તકના અનાવરણ કાર્યક્રમમાં પધારેલા મુખ્ય અતિથી ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસિડન્ટ અને રાજકોટના લોકપ્રિય ઇએનટી સર્જન ડો.ભરત કાકડિયાએ ડો.સંજયભાઈને તેમના ભગિરથ કાર્ય માટે ઈન્ડિયન મેડિકલ એસોસિશન પરિવારના તમામ તબીબો તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ડો.સંજય પંડ્યા દ્વારા કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન વેબસાઈટ દ્વારા વાવેલું વિચારબીજ આજે વટવૃક્ષ બની સમાજને માર્ગદર્શન પુરુ પાડે છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ડો. પંડયાને ખરા અર્થમાં તેમના ગુરુ ડો.એચ.એલ. ત્રિવેદીના માનસપુત્ર તરીકે સંબોધીને બિરદાવ્યા હતા.
ત્યારબાદ ગેસ્ટ ઓફ ઓનર વિધામંદિરના સ્થાપક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ ડો.પંડ્યાને “વસુધૈવ કુટુંબકમ” ભાવનાને સાર્થક કરીને ભારત નહિ પણ વિશ્વભરના તબીબોને માર્ગદર્શન મળી રહે તે માટે આ પુસ્તકની રચના કરી છે તેમ કહ્યું હતું. તેમણે વધુ ઉમેરતા કહ્યું કે ડો.સંજયભાઈ એ કાશીની જાત્રાની જેમ અગાઉ પ્રસિધ્ધ કરેલું “તમારી કિડની બચાવો” પુસ્તક નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ગુજરાતના સેક્રેટરી ડો.મેહુલ શાહએ ડો.પંડ્યાને ખરા અર્થમાં તબીબ જગતના પથદર્શક ગણાવ્યા હતા. કારણકે એક તબીબ થઈને લેખકની જેમ આવડું પુસ્તક લખવું તે ઈશ્વરકૃપા જ કહી શકાય. તેમણે ગુગલ સર્ચમાં આ પુસ્તક પ્રથમ આવે અને ભવિષ્યમાં પુસ્તકના ઈ-વર્ઝનથી આઈ.સી.યુ.ના તબીબોને સારવારની ગુણવત્તા સુધારવામાં અને નવા અભ્યાસીઓને જ્ઞાનવર્ધક બની રહે તેવી આશા સેવી હતી.
ત્યારવાદ બી. ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન ડો.વિવેક જોશીએ વેદનો પ્રચલિત મંત્ર “સર્વે ભવન્તુ સુખિન:” ઉચ્ચારણ કરીને જણાવ્યું કે ફ્લુઇડ મેનેજમેન્ટ વિષયને સમજવા ડો.સંજયભાઈને વારંવાર સાંભળતા રહેવું જોઈએ કારણકે ભારતની એકપણ કોલેજ એવી નહિ હોય કે જ્યાં ડો.સંજય પંડયાએ ફ્લુઇડ મેનેજમેન્ટ ઉપર લેકચર ન આપ્યું હોય. વધુ ઉમેરતા ડો.વિવેક જોશીએ કહ્યું કે તબીબોએ “સર્વે ભવન્તુ નિરામયા” ભાવનાથી દર્દીઓ કેવી રીતે ઝડપથી સાજા થઈ જાય તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. સભાના અંતમાં બી.ટી.સવાણી પરિવાર તરફથી બી. ટી. સવાણી હોસ્પિટલના ચેરમેન અને રાજ્યના વરિષ્ટ યુરોલોજિસ્ટ ડો.વિવેક જોષી દ્વારા મોમેન્ટો આપીને ડો.સંજય પંડ્યાને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસિશન, એસોસિએશન ઓફ ફિઝિશ્યિનસ ઓફ રાજકોટ, ક્રિટીકલ કેર સોસાયટી, સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજિસ્ટ્સ વગેરે પરિવારના સભ્યોએ હાજરી આપી આ જ્ઞાનયજ્ઞને પ્રોત્સાહન આપ્યું હતું.
ડો.સંજય પંડ્યા ફલુઈડ થેરાપી વિષય પર ભારતના સૌથી વધુ લોકપ્રિય શિક્ષક
તબીબી વિદ્યાર્થીઓ અને પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે સરળ અને ઉપયોગી શિક્ષણ આપવાની કૌશલ્યતા અને નિપુણતાને કારણે આ પુસ્તકના લેખક ડો. સંજય પંડ્યાને દેશના અનેક ભાગોમાંથી આ વિષય આધારિત વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધી તેમણે 400થી વધુ વ્યાખ્યાયાનો દેશના વિવિધ કોલેજોમાં અને રાષ્ટ્રીય પરિષદોમાં આપ્યા છે. તેમની આ વિષયની એક્સપર્ટ સર્વિસ માટે 2022માં જયપુર ખાતે યોજાયેલ એસોસિએશન ઓફ ફિઝિશ્યિન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં અતિ પ્રતિષ્ઠ ડો.સિદ્ધાર્થ શાહ મેમોરિયલ ઓરેશનથી બિરદાવવામાં આવેલ છે. તેમની આ વિષયમાં મહારથને લીધે તેઓ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ત્રણથી ચાર કલાક જેટલા લાંબા વર્કશોપ થકી, દેશ-વિદેશના તબીબોને આ થેરાપી અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે.
ડો.સંજય પંડ્યાના આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક શૈક્ષણિક યોગદાન
ડો.સંજય પંડ્યાના અન્ય યોગદાનની વાત કરીએ તો તેમણે કિડનીના દર્દી અને તેના પરિવારજનોને કિડની વિશે માહિતી મળે તે માટે કિડની એજ્યુકેશન ડોટ કોમ નામની વેબસાઈટ તૈયાર કરેલી છે. જેમાં 40થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં કિડની વિશે માહિતી આપતા પુસ્તકો નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે દુનિયાભરમાં લોકોને સાદી અને સરળ રીતે પોતાની માતૃભાષામાં કિડની વિશે માહિતી આપતી વિશ્વની એકમાત્ર વેબસાઈટ છે. આ વેબસાઇટમાં ઉપલબ્ધ પુસ્તકને અત્યાર સુધી 10 કરોડ હિટસ મળી છે અને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. તેથી એમ પણ કહી શકાય કે પ્રેક્ટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઇડ થેરાપી પુસ્તક દ્વારા તબીબોમાં જાણકારી ઉપરાંત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે શરૂ કરવામાં આવેલ Kidney Education.com વેબસાઈટને મળેલ 10 કરોડ હિટ્સરૂપી પ્રતિસાદ તેમના દ્વારા કરવામાં આવેલ કિડની અંગે જનજાગૃતિ જ્ઞાન યજ્ઞ દ્વારા સમાજ સેવાની સફળતાની સાબિતી છે.