ઠેક-ઠેકાણે ૨૪-૨૪ કલાક ધૂન-ભજન ચાલ્યા, તેમ છતા વરૂણ દેવ ન રીઝયા: મેઘરાજાની કાગડોળે જોવાતી રાહ

સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાતા જગતાત ચીંતીત બન્યા છે. હાલ મોટાભાગનાં ખેડુતોને વાવણી કરી લીધી હોય જો એક સપ્તાહમાં વરસાદ નહી પડે તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે વરૂણદેવને રીઝાવવા માટે ઠેક ઠેકાણે ૨૪-૨૪ કલાક ધૂન ભજન ચાલ્યા હતા તેમ છતા વરૂણદેવ રીઝાયા નથી.

સૌરાષ્ટ્રમાં વિધિવત ચોમાસુ બેસી ગયાને ઘણા દિવસો વિત્યા તેમ છતા સારો વરસાદ ન વરસતા ખેડુતો ચીંતાતૂર બન્યા છે. સૌરાષ્ટ્રમાં પખવાડીયા પૂર્વે વરસાદ વરસ્યો હતો. ત્યારે ખેડુતોએ વાવણી કરી નાખી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ન આવતા ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે. એક સપ્તાહમાં જો વરસાદ નહીં પડે તો વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. અષાઢ મહિનામાં વરસાદનો ભરપૂર મહિમા હોય છે. અષાઢીબીજનું પર્વ પણ સંપન્ન થયું છે. તેમ છતા વરૂણદેવે હજુ હેત વરસાવ્યું નથી.

સૌરાષ્ટ્રનાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભૂજ, કચ્છ સહિતના જિલ્લાઓમાં નહીવત વરસાદના પગલે જગતાત મુશ્કેલીમાં મૂકાયા છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડયો હતો. જયારે સમગ્ર સૌરાષ્ટ્ર આ દરમિયાન કોરો ધાડ રહ્યુ છે. વધુમાં મેઘરાજાને મનાવવા માટે સૌરાષ્ટ્રભરમાં ૨૪/૨૪ કલાકનાં ધૂન ભજનના કાર્યક્રમો છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દેવસ્થાનોમાં વરૂણદેવને રીઝવવા લોકો ધૂન ભજન સહિતના કાર્યક્રમો યોજી રહ્યા છે.

આવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવા છતા પણ વરૂણદેવ રીઝાતા ન હોવાથી લોકો મુસીબતમાં મૂકાયા છે. હાલ જગતાત લમણે હાથ મૂકીને આકાશ સામે મીંટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યો છે. ઉપરાંત દરેક લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરૂણદેવ હેત વરસાવી આકાશમાંથી કાચુ સોનું વરસાવે તેવી ઠેર ઠેર પ્રાથના થઈ રહી છે.

આગામી એક સપ્તાહમાં જો સારો વરસાદ નહી પડે તો જગતાતે કરેલી વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જેનાથી ખેડુતોને આર્થિક ઝટકો સહન કરવાનો વારો આવશે. ઉપરાંત વરસાદના અભાવે જો પાકનું ઉત્પાદન ઓછુ થશે તો. સામાન્ય લોકોને પણ પાકના ભાવ વધવાથી ભારે અસર થવાની છે. આ ઉપરાંત વરસાદ દરેક ધંધા રોજગારને સીધી કે આડકતરી રીતે અસર કરે છે. તેથી તમામ વર્ગના લોકો આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે.

વરુણ દેવને મનાવવા વેપારીઓએ અડધો દિવસ બંધ પાળ્યો

saurashtras-rain-stirring-situation-fear-of-failure-of-sowing
saurashtras-rain-stirring-situation-fear-of-failure-of-sowing

ઉનામાં મેઘરાજાને મનાવવા તમામ વેપારીઓએ અડધો દિવસ બંધ રાખીને મંદિરો અને દરગાહ ઉપર ચાદર ચઢાવવામાં આવી હતી. ઉના ચેમ્બર ઓફ કોમર્સ અને ઉના નગરપાલિકા અને ગ્રેઇન મર્ચન્ટ એસોસિયન સહયોગથી વેપારી પોતાના ધંધા-રોજગાર બંધ કરીને પોસ્ટ ઓફિસ ચોકમાં એકત્રિત થયા હતા ત્યાં થી વિશાળ સંખ્યામાં વેપારીઓએ રેલી કાઢવામાં આવી હતી અનેક વિસ્તારોમાં ફરી હતી પોસ્ટ ઓફિસ ચોક વડલા ચોક તેમજ બજારોમાં ફરીને મેઘરાજાને મનાવવા દુઆ ઓ અને પ્રાર્થનાઓ કરી હતી તેમજ હિંદુ-મુસ્લિમ એક થઈ એકતાનો પ્રતીક જોવા મળ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.