ચેતેશ્ર્વર પુજારા, ચિરાગ જાની, શેલ્ડન જેક્શન, હાર્વિક
દેસાઇ અને સ્નેલ પટેલ સહિતના તમામ બેટ્સમેનો
નિષ્ફળ: મુકેશ કુમારે ચાર જ્યારે ઉમરાન મલીક અને
કુલદીપ સેને ત્રણ-ત્રણ વિકેટો ખેડવી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે પાંચ દિવસીય ઇરાની ટ્રોફીનો આરંભ થયો છે. રેસ્ટ ઓફ ઇન્ડિયાના સુકાની હનુમા વિહારીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઘરઆંગણે સૌરાષ્ટ્રનો કંગાળ દેખાવ જોવા મળ્યો છે. ચેતેશ્ર્વર પુજારા, ચિરાગ જાની, શેલ્ડન જેક્શન સહિતના બેટ્સમેનો નિષ્ફળ જતાં પૂરી ટીમ માત્ર 24.5 ઓવરમાં 98 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ છે. મુકેશ કુમારે ચાર જ્યારે ઉમરાન મલિક અને કુલદીપ સેને ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી.
આજથી ખંઢેરી ખાતે શરૂ થયેલા ઇરાની ટ્રોફીના પાંચ દિવસીય મેચમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાના સુકાની હનુમા વિહારીએ ટોસ જીતી સૌરાષ્ટ્રની ટીમને બેટીંગ કરવા માટે આમંત્રિત કરી હતી. બેટ્સમેનો માટે સાનુકૂળ ગણાતી ખંઢેરીની વિકેટ પર સૌરાષ્ટ્રના ખેલાડીઓ રિતસર નિષ્ફળ રહ્યા હતા. સ્કોર બોર્ડ પર માત્ર 30 રનનો જુમલો ખડકાયો હતો ત્યાં અડધી ટીમ પેવેલીયન ભેગી થઇ ગઇ હતી. ઓપનર હાર્વિક દેસાઇ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે સાથી ઓપનર સ્નેલ પટેલ માત્ર ચાર રન નોંધાવી શક્યો હતો. વનડાઉન ઉતરેલા ચિરાગ જાનીની પણ ખાતુ ખોલાવ્યા વિના પેવેલીયનમાં પરત ફર્યો હતો. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્ર્વર પુજારા માત્ર એક રન જ નોંધાવી શક્યો હતો. જ્યારે વિકેટ કિપર બેટ્સમેન શેલ્ડન જેક્શન બે રન બનાવી પેવેલીયન ભેગો થઇ ગયો હતો. અર્પિત વસાવડાએ રેસ્ટ ઓફ ઇન્ડિયાના ઓપલરોની થોડી ઘણી જાક ઝીલતાં 19 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. જ્યારે સુકાની જયદેવ ઉનડકટે 12 અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સાર્વધિક 28 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ માત્ર 24.5 ઓવરમાં 98 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. રેસ્ટ ઓફ ઇન્ડિયા વતી મુકેશ કુમારે 23 રન આપી ચાર વિકેટ જ્યારે ઉમરાન મલિકે 25 રનમાં ત્રણ વિકેટ, કુલદીપ સેને 41 રનમાં ત્રણ વિકેટો ખેડવી હતી. પ્રથમ દાવમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની શરૂઆત નબળી રહેવા પામી હતી. ઓપનર અભિમન્યૂ શૂન્ય રને સુકાની જયદેવ ઉનડકટનો ભોગ બન્યા હતા. જ્યારે મયંક અગ્રવાલ માત્ર 11 રન બનાવી, યશ ધૂલ પાંચ રન બનાવી પેવેલીયનમાં પરત ફર્યા હતાં. 18 રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધા બાદ કેપ્ટન હનુમા વિહારી અને સરફરાઝ ખાને બાજી સંભાળી લીધી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ત્રણ વિકેટો ગુમાવી 40 રન બનાવી લીધા છે અને હજુ તે 58 રન પાછળ ચાલી રહ્યું છે