અધ્યતન લેબોરેટરી, થ્રી સ્ટાર સમાન રેસ્ટોરન્ટ, હોટલ અને ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ તેમ જ રેલવે માલ પરિવહન ઓફિસનું નિર્માણ કરવામાં આવશે: ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતનું પણ નંબર વન થઈ ગયું છે ત્યારે શરૂ થયેલા નવા વર્ષમાં વિકાસની ખેડૂત અને વેપારીઓ લક્ષી અનેક યોજનાઓ શરૂ કરવાનો આશાવાદ ચેરમેને વ્યક્ત કર્યો છે.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની નિગરાની હેઠળ અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોના સહયોગથી યાર્ડ ખૂબ વિકાસ પામ્યું છે પરંતુ શરૂ થયેલા નવા વર્ષમાં એટલેથી જ સંતોષ ન માની લઈ અનેકવિધ વિકાસ યોજનાઓને આકાર આપવામાં આવનાર છે, હાલ જે ડોક્યુમેન્ટ પ્રક્રિયા ચાલુ છે એ પ્રમાણે ભારત દેશની માર્કેટિંગ યાર્ડની અદ્યતન લેબોરેટરી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સ્થપાશે, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જમવા માટેની કેન્ટીન થ્રી સ્ટાર હોટેલ જેવી થશે અને ખેડૂતોને રહેવા માટેની ગેસ્ટ હાઉસ ની વ્યવસ્થા છે તેને પણ અધ્યતન બનાવમાં આવશે.
ગોંડલ તાલુકાના દરેક ખેડૂતોનો પાંચ લાખ રૂપિયા નો વીમો લેવામાં આવશે એમાં જે મુખ્ય ઘરની વ્યક્તિ હશે એનો વીમો દસ લાખ રૂપિયા કરવામાં આવશે, માર્કેટિંગ યાર્ડ વર્ષ 2022 માં 40 વીઘા જમીન ખરીદી લીધી છે અને હજુ યાર્ડ ની આગળની ગુજરાત એગ્રો ની 40 વીઘા જમીન ખરીદ કરવાની છે એટલે ટોટલ 100 વીઘા જમીનની ખરીદી થઈ જશે.
દેશની કોઈ માર્કેટિંગ યાર્ડ એવું નહીં હોય કે જેની અંદર કોર્પોરેટ ઓફિસ હોય જેની સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોર્પોરેટ ઓફિસો બનાવવામાં આવશે અને એની સાથે સાથે એની અંદર એક ઓફિસ રેલવે વિભાગની થશે જેથી કરીને જે વેપારીઓ ટ્રકમાં માલ બહાર મોકલે છે તેને પરિવહન ખર્ચ મોંઘો પડી રહ્યો છે તેઓ ટ્રેન મારફત ડુંગળી લસણ બહારના પ્રદેશોમાં મોકલી શકશે અને તેમાં તેઓને પૂરું વળતર મળતું થશે.
માર્કેટિંગ યાર્ડની અંદર એક્સપોર્ટરોને બોલાવવા હોય તો અત્યારે જે થૂંકવાનું કચરા ફેંકવાનું બધું ચાલે છે એવું ચાલે નહીં એટલે એપીએમસીની બ્રાન્ડની 1,000 થી વધુ કચરાપેટી તૈયાર કરી છે જેથી સ્વચ્છતા નું કડક માં કડક પાલન શરૂ કરવામાં આવશે. એકદમ ચોખ્ખું માર્કેટિંગ યાર્ડ હોય તો દેશની ટોપ કંપની ખરીદી કરવા માટે આવકારી શકાય. વધુમાં માર્કેટિંગ યાર્ડ પોતે માર્કેટિંગ ની ઓફિસ શરૂ કરશે જેમાં ધાણા, મરચાં સહિતની જણસી ઓ નાં સ્પેસિફિકેશન તૈયાર કરવામાં આવશે જેથી કરીને ભારત દેશની ટોપ કંપનીઓ અને એક્સપોર્ટ કરતી કંપનીઓ પણ ખરીદી માટે આવી શકે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ એવું માર્કેટિંગ યાર્ડ બનશે કે જેમાં રોજના 25000 થી વધુ ખેડૂતો આવે છે જે તમામ લોકોને નિશુલ્ક મિનરલ વોટર ઠંડા જગમાં પીવા માટે મળશે.