ખંભાળીયા પાસે કાર અને બાઇક અથડાતા બે યુવાનના મોત: ધ્રોલના જાયવા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા બાળકી સહિત ત્રણના મોત: રાજકોટમાં કારની ઠોકરે મહિલાનું: ડમ્પર હડફેટે યુવાન કાળનો કોળીયો બન્યો: ત્રંબા નજીક બંધ ટ્રક પાછળ કાર અથડાતા રાજકોટના વૃધ્ધનું મોત: મોરબીમાં નવા બસ સ્ટેશન પાસે ટ્રકની ઠોકરે પ્રૌઢેનું મોત
26 જાન્યુઆરીના પ્રજાસતાક દિવસે સૌરાષ્ટ્રના જુદા જુદા હાઇવે પર જીવલેણ અકસ્માતના બનેલા સાત બનાવમાં બાળકી સહિત નવ વ્યક્તિઓએ જીવ ગુમાવતા હાઇવે રકતરંજીત બન્યો છે. ધ્રોલ નજીક આવેલા જાયવા ગામ પાસે બંધ ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળકી સહિત ત્રણના મોત નીપજ્યા છે., ખંભાળીયા પાસે કાર અને બાઇક અથડાતા બે મિત્રના મોત નીપજ્યા છે. પડધરીના મોટા રામપર પાસે બાઇકના હેન્ડલ પરનો કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી વીજ પોલ સાથે અથડાતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં ગોંડલના બંધીયા ગામના બે વિદ્યાર્થી કાળનો કોળીયો બની ગયા છે.
કોઠી ગામે ખેતલીયા દાદાના દર્શન કરી કારમાં રાજકોટ આવી રહેલા પરિવારનને ત્રંબા પાસે જીવલેણ અકસ્માત નડયો છે. જેમાં પુત્રની નજર સામે પિતાએ જીવ ગુમાવ્યો, મોરબી નવા બસ સ્ટેશન પાસે ટ્રકની ઠોકરે ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજકોટના રેસકોર્ષ ખાતે યોજાયેલા ટ્રેડ ફેરમાંથી પરત ઘરે જઇ રહેલા દંપત્તીના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક જીવલેણ અકસ્મતાના બનાવમાં 80 ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ પાસે ડબલ સવારી બાઇકને ડમ્પરને ઠોકર મારતા મોટા ભાઇની નજર સામે નાના ભાઇ કાળનો કોળીયો બની ગયો છે.
પડધરી: મોટા રામપર પાસે વીજ પોલ સાથે બાઇક અથડાતા બે વિદ્યાર્થીના મોત
જામનગર ડ્રાઇવીંગ લાયસન્સ કઢવી ગોંડલ જતાં બને યુવકને કાળ ભેટયો
ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા બ્રિજેશ ભાવેશભાઇ નામના 20 વર્ષના પટેલ યુવાન પોતાના મિત્ર ઋતવિક રાજેશભાઇ ચોવટીયા નામના પટેલ યુવાન ગત તા.20 જાન્યુઆરીએ જી.જે.3એફપી. 8965 નંબરના બાઇક પર જામનગર ડ્રાઇવીંગ લાયન્સ કઢવા ગયા હતા બંને મિત્રો બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે પડધરીના મોટા રામપર ગામ પાસે પહોચ્યા ત્યારે બાઇક ચાલકે હેન્ડલ પરનો કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી ગયું હતું અને વીજ પોલીસ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બ્રિજેશ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ઋત્વીક ચોવટીયાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
મોરબી: ત્રણ દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડયો
મોરબીમાં રવાપર રવાપર કાનુડા રોડ પાસે આવેલા શ્રીજી ટાવર બ્લોક નંબર 202માં રહેતા કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર નામના 42 વર્ષીય આધેડ ત્રણ દિવસ પહેલા પોતાના બાઈક પર વહેલી સવારે નવા બસ સ્ટેન્ડ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે જીજે 25 ટી 5443 નંબરના ટ્રક ચાલકે અડફેટે લેતાં આધેડને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ કિશોરભાઈ ફેફરે દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
ત્રંબા પાસે દર્શન કરી પરત ફરી રહેલા વૃદ્ધનું અકસ્માતમાં મોત
રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા વેપારી વિપુલભાઈ ધીરજલાલ રૂપાણી (ઉ.વ.45) અને તેમના પિતા ધીરજલાલ રામજીભાઈ રૂપાણી (ઉ.વ.73) જસદણથી રાજકોટ તરફ આવતા હતા ત્યારે ત્રંબા પાસે રોડ પર બંધ પડેલા ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ધીરજલાલ રૂપાણીનું મોત નિપજ્યું હતું.આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ વફવિંમશિ હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધીરજલાલ રૂપાણી અને તેમનો પુત્ર વિપુલભાઈ રૂપાણી જસદણના કોઠી ગામે આવેલા ખેતલીયા દાદાના દર્શન કરી રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
ધ્રોલ: જાયવા પાસે બંધ ટ્રક પાછળ કાર અથડાતા બાળકી સહિત ત્રણના મોત
રાજકોટ લગ્ન પ્રસંગમાંથી જામનગર પરત જતા પટેલ પરિવારને નડયો ગમખ્વાર અકસ્માત
ધ્રોલ નજીક આવેલા જાયવા ગામ પાસે મોડીરાતે બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણના મોતથી લગ્નનો ખુશીનો પ્રસંગ શોકમાં પલ્ટાયો છે. જામનગરના પટેલ પરિવાર રાજકોટ ખાતે સંબંધીના ઘરે લગ્ન પસંગમાં આવ્યા બાદ મોડીરાતે કારમાં જામનગર પરત જઇ રહ્યા હતા ત્યારે ધ્રોલના જાયવા પાસે રસ્તા પર બંધ ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા ગંભીર રીતે ઘવાયેલા ત્રણના મોત નીપ્જયા છે. જેમાં જામનગર મુકતાબેન ગીરધરભાઇ રામોલીયા નામના 80 વર્ષના વૃધ્ધા, નયનભાઇ દેવરાજભાઇ મોડીયા નામના 51 વર્ષના પ્રૌઢ અને એક દોઢ વર્ષની બાળકના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. કારમાં બેઠેલા અન્ય બે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ખંભાળીયા પાસે કાર અને બાઇક અથડાતા બે યુવાનના મોત
ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમુહ લગ્નમાં જતા બે યુવાન અકસ્માતમાં કાળનો કોળીયો બન્યા: 30 દિવસ પછી જેના લગ્નના ગીત ગાવાના હતા તેના મરસીયા ગાવા પડતા વિપ્ર પરિવારમાં હર્ષોલ્લાશ શોકમાં પલ્ટાયો
જામનગરના યુવાનના 20 વર્ષ બાદ લગ્ન ગીત ગાવામાં આવે તે પહેલાં માર્ગ અકસ્માતમાં કાળનો કોળીયો બની જતા તેના મરસીયા ગાવામાં આવતા વિપ્ર પરિવારનો હષોઈલ્લાશના પ્રશંગ પૂર્વે જ શોક છવાતા કરુણાંતિકા સર્જાય છે. જામનગરથી બાઇકમાં ખંભાળીયા નજીકના ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમુહ લગ્નમાં જતા બે યુવાનના જી.જે.16એએસ. 6226 નંબરના બાઇક સાથે ખંભાળીયા માકેર્ટીંગ યાર્ડ પાસે જી.જે.37બી.6858 નંબરનની ઇનોવા કાર અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં બંનેના કમકમાટી ભર્યા નીપજતા બંનેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.બનાવની વિગત મુજબ મૂળ મીઠાપુરના રહીશ અને હાલ જામનગર હાઈવે રોડ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં ફિલ્ડ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કામ કરતા રિશી રાજેશભાઈ જોશી નામના 26 વર્ષના યુવાન ગઈકાલે ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમુહ લગ્નમાં તેમના મિત્ર ભરત બુધાભાઈ લુણાવીયા (ઉ.વ. 26) સાથે બાઈક પર જતા હતા.ત્યારે સવારે આશરે 8:30 વાગ્યે ખંભાળિયા નજીકના દ્વારકા હાઈ-વે માર્ગ પર પૂરપાટ ઝડપે આવતા ઈનોવા મોટરકારના ચાલકે રિશીના બાઈકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ જીવલેણ અકસ્માતમાં બાઈક સવાર બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રિશી રાજેશ જોશીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા ભરત લુણાવીયા અને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
જ્યારે બનાવની જન થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રિશી જોશીની સગાઈ થોડા સમય પૂર્વે અંજાર મુકામે થઈ હતી. આગામી તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન પણ નક્કી થયા હતા. લગ્નના વીસેક દિવસ પૂર્વે આશાસ્પદ યુવાનના અકાળે મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી છે.આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રિશી જોશીના બનેવી અશોક વાલજીભાઈ ત્રિવેદીની ફરિયાદ પરથી ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.
રાજકોટ: બે જીવલેણ અકસ્માતમાં, મહિલા સહિત બેનાં મોત
રેસ્કોર્સ પાસે કારની ઠોકરે દંપતી ખંડિત, પત્નીનું મોત: મટુકી રેસ્ટોરન્ટ નજીક ભાઈની નજર સામે યુવાનને કાળનો કોળીયો બન્યો
રાજકોટ શહેરમાં એક જ દિવસમાં જુદા જુદા બે સ્થળોએ સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં એક બનાવમાં રેસકોર્સ પાસે ટ્રેડ ફેરમાંથી ઘરે જઈ રહેલા દંપતીને કાર ચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત નીપજતાં દંપતી ખંડિત થયું હતું. તો અન્ય બનાવમાં 80 ફૂટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ નજીક ડમ્પર ચાલકે બાઈકને ઠોકર મારતાં મોટા ભાઈની નજર સામે જ યુવાન કાળનો કોળિયો બન્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સહકાર મેઇન રોડ પર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા ભારતીબેન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.55) અને તેમના પતિ રમેશભાઈ રાઠોડ રેસકોર્શ ગ્રાઉન્ડમાં યોજાયેલા ટ્રેડ ફેરમાં ગયા હતા. ત્યાંથી ઘરે જવા પરત ફરેલુ બાઈક સવાર દંપતી ફન વર્લ્ડ પાસે પહોંચતા અજાણ્યા કાર ચાલકે દંપતિના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેન રાઠોડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
ઘટના અંગે જાણ થતાં પ્રનાગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભારતીબેન રાઠોડને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અને ભારતીબેન ટ્રેડ ફેરમાંથી પતિ સાથે પરત ફર્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તો અન્ય બનાવમાં વાવડી પાસે વ્રીજવિલા સોસાયટીની બાજુમાં આદર્શ એકઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર રમેશભાઈ સુવાગિયા નામના 27 વર્ષીય યુવાનને જૂનાગઢ ખાતે લગ્ન પ્રસંગમાં જવાનું હતું. જેથી તેમનો મોટો ભાઈ હિરેનભાઈ યુવકને બાઈક પર બેસાડી ઓમનગર મૂકવા જતો હતો. ત્યારે 80 ફૂટ રીંગ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ નજીક જીજે 01 ડીવાય 8875 નંબરના ડમ્પર ચાલકે બાઈકને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિજયકુમારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં યુવાને દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તાલુકા પોલીસે ઘટનાની નોંધ કરી ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.