પાણસીણા પાસે ડ્રાઇવર્ઝનના કારણે કાર નાલામાં ખાબકતા રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રએ જીવ ગુમાવ્યો
ગોંડલ નજીક ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા બે યુવાનના મોત: જામકંડોરણા પાસે કાર ઝાડ સાથે અથડાતા બે યુવાનના મોત
ધ્રોલ પાસે સામસામે બાઇક અથડાતા પડધરીના સોની યુવાનનું મોત: બે ગંભીર ગોંડલના ચરખડી પાસે બાઇક સાથે કુતરુ ભટકાતા યુવાન કાળનો કોળીયો બન્યા
સૌરાષ્ટ્રના જુદા જુદા હાઇ-વે પર પાંચ સ્થળે જીવલેણ અકસ્માત સર્જાતા રવિવાર રકતરંજીત બન્યો છે. પાંચેય અકસ્માતમાં સાત વ્યક્તિઓ કાળનો કોળીયો બની જતા તેમના પરિવારમાં અરેરાટી સાથે ગમગમીની છવાઇ ગઇ છે.
શહેરના સંત કબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતા વિમલ રમેશભાઇ પરમાર નામનો યુવાન ગઇકાલે પોતાના મિત્ર જીજ્ઞેશ મૈયડ સાથે અમદાવાદથી ઇનોવા કારમાં રાજકોટ આવી રહ્યા હતા ત્યારે પાણસીણા પાસે છ લાઇનના ચાલતા કામના કારણે બનાવવામાં આવેલા ડ્રાઈવર્ઝનની દિવાલ સાથે કાર અથડાયા બાદ નાલામાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં વિમલભાઇ પરમારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. જીવલેણ અકસ્માત સર્જાયો ત્યારે પોલીસ સ્ટાફ નજીક હોવાથી અવાજ આવતા ઘટના સ્થળે પહોચી ગંભીર રીતે ઘવાયેલા જીજ્ઞેશ મૈયડને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મૃતક વિમલભાઇના પિતા રમેશભાઇ પરમાર રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 6ના ભાજપના પ્રભારી છે.
ધોરાજીના દાણીકોઠામાં રહેતા મહોસીન હજી રફીક પોતાનો ટેમ્પામાં ટમેટા ભરીને રાજકોટ આવતો હતો ત્યારે ગોંડલના બીલીયાળા નજીક રસ્તા પર ઉભેલા ટ્રક પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મહોસીન હાજી રફીક મોતીવાલા અને એક અજાણ્યા યુવાનના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
કાલાવડના આણંદપર ગામે રહેતા ભૂપત કાળા મધવી, મહેશ ભીખા ચુડાસમા, અશોક મગન રાબડીયા,ે સંજય મગન રાબરીડા અને પ્રભાબેન મગનભાઇ રાબડીયા કાર લઇને માણાવદરથી પરત આવી રહ્યા હતા ત્યારે જામકંડોરણાના દુધીબદર ગામના પાટીયા પાસે કારના ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલા મગનભાઇ ઉર્ફે મેઘજીભાઇ અને પ્રભાબેન મગનભાઇના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
પડધરી-ધ્રોલ વચ્ચે દેડકદળ ગામે ગઇકાલે બે બાઇક સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પડધરીના બ્રિજેશ નવીનભાઇ ફીચડીયા નામના સોની યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેના બાઇક પાછળ બેઠેલા પડધરીના જયંતી દામજીભાઇ નામના કોળી યુવાન તેમજ અનિરુધ્ધિસિંહ નામના યુવાન ઘવાતા બંનેને સારવાર માટે રાજકોટ હોસપિટલમાં દાખલ કરાયા છે. જેમાં અનિરુધ્ધસિંહની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા મિતરાજસિંહ સુરેશભાઇ ભટ્ટી નામના 17 વર્ષના યુવાન બાઇક પર ગોંડલથી ચરખડી જતા હતા ત્યારે પીર બાવાની દરગાહ પાસે બાઇક સાથે કુતરુ આડુ ઉતરતા બાઇકસ સ્લીપ થતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.