Abtak Media Google News
  • દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે: વલસાડ તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 11 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ તરફ વરસાદની સાથેસાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટએ જિલ્લા માટે જાહેર કરવામાં આવતું હોય છે. જે જિલ્લામાં અઢીથી ચાર ઇંચ વરસાદની શક્યતા હોય છે.

આગાહીકાર અંબાલાલના જણાવ્યા મુજબ આજથી બે દિવસ ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયક્લોનિક સરર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો-પ્રેશરના કારણે જુલાઇમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 5 થી 12 જુલાઇમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે. 12 થી 14 જુલાઇમાં પશ્ર્ચિમ ઘાટથી આવતા પવનો પણ રાજ્યમાં સારો વરસાદ લાવશે. રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં તેમજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્યારે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા મુજબ 1 થી 30 સુધીમાં ગુજરાતમાં 52 ટકા વરસાદ નોંધાયો જે વરસાદ થવો જોઇએ તેના કરતા 48 ટકા ઓછો વરસાદ છે. આ સમય મુજબ ગુજરાતમાં 90 મીમી જેટલો વરસાદ થવો જોઇતો હતો. જો કે, હવે સરર્ક્યુલેશન બનતા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 ડેમોના જળ વૈભાવમાં વધારો મોજ, ફોફળ, ન્યારી-ર, છાપરવાડી-1, ભાદર-ર સહિતના જળાશયોથી સપાટીમાં વધારો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદના કારણે ડેમોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. અમુક ડેમોના કુલ લેવલ જાળવી રાખવા માટે દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 14 ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. રાજકોટ જીલ્લાના મોજ ડેમમાં 0.98 ફુટ નવા નીરની આવક થવાના કારણે સપાટી ર7 ફુટે આંબી જવા પામી છે. ફોફળ ડેમમાં નવું 0.59 ફુટ પાણીની આવક થઇ છે. આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.13 ફુટ, આજી-ર ડેમમાં 0.23 ફુટ, સુરવો ડેમમાં 0.33 ફુટ, ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી-ર ડેમમાં 3.28 ફુટ, ભાદર-ર ડેમમાં 3.94 ફુટ પાણીની આવક થવા પામી છે. મોરબી જીલ્લાના મચ્છુ-ર ડેમમાં 0.62 ફુટ, ડેમી-ર 2.62 ફુટ, ઘોડાધ્રોઇમાં 0.66 ફુટ, બ્રાહ્મણી ડેમમાં 0.30 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 0.49 ફુટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 1.25 ફુટ પાણીની આવક થવા પામી છે.

જગત મંદિરે ભારે પવનની શક્યતાને લીધે ધ્વજા અડધી કાઠીએ

ભારે પવન, વરસાદ હોવાથી દ્વારકાનાં જગત મંદિરે બાવન ગજની ધ્વજા વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદ હોવાથી સુરક્ષાના કારણોસર જગત મંદિરે ભગવાન દ્વારકાધીશની બાવન ગજની પ્રથમ ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી હતી. 150 ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ 25 ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. ભારે પવન અને વરસાદના કારણે ધ્વજાજી ચડાવતાં અબોટી બ્રાહ્મણ મંદિરના શિખર ઉપર ચડી શક્યા ન હતા. જ્યારે દ્વારકામાં ભારે પવન તેમજ વરસાદી માહોલ હોય ત્યારે દ્વારકાધીશજીની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવતી હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.