હવે ૨૭ મી ફેબ્રુઆરીનાં રોજ કર્ણાટક સામે ફાઈનલ મેચમાં ટકરાશે
દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન પર રવિવારે રમાયેલા વિજય હઝારે ટ્રોફીના સેમિ ફાઈનલ મેચમાં આંધ્ર પ્રદેશને ૫૯ રને હરાવી ફાઈનલમાં સૌરાષ્ટ્ર પ્રવેશ કર્યો છે.
ચેતેશ્ર્વર પૂજારા, અને રવીન્દ્ર જાડેજાના પ્રદર્શને સૌરાષ્ટ્રની ટીમનો જુસ્સો વધાર્યો છે. બીજી તરફ ધર્મેન્દ્ર જાડેજા વધુ એક વખત ટીમ માટે સફળ બોલર સાબીત થયો છે.
આંધ્રની ટીમે ટોસ જીતી સૌરાષ્ટ્રને દાવ આપ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમ ૪૯.૧ ઓવરમાં ૨૫૫ રન કરી ઓલ આઉટ થઈ ગઈ હતી ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાએ ટીમમાં ફરી કમબેક કરી શાનદાર ૫૬રન ફટકાર્યા હતા. જયારે રવિન્દ્ર અને અર્પિત વસાવડાએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૦૭ બોલમાં ૧૧૩ રન જોડયા હતા. આંધ્રના ઈમાન્દી કાર્તિકે ૪ વિકેટ મેળવી હતી.
જીતના લક્ષ્ય સાથે દાવમાં ઉતરેલી આંધ્રની ટીમના બેટધરો દબાણમાં આવી ગયા હતા. ધર્મેન્દ્રએ ૩૯મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ આંધ્રની ટીમે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હતી અંતે આંધ્રનો ૫૯ રને પરાજય થયો હતો.
સૌરાષ્ટ્રની ટીમ ૨૭ મી ફેબ્રુ.એ વિજય હજારે ટ્રોફીના ફાઈનલ મેચમાં કર્ણાટક સામે ટકરાશે.