ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સૌથી ઠંડો દિવસ: વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર, આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનું જોર વધે તેવી સંભાવના
ચાલુ શિયાળાની સીઝનનો આજે સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છનું નલીયા આજે ૪ ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડીમાં રિતસર ઠુંઠવાઈ ગયું હતું તો રાજકોટમાં પણ આજે શિયાળાની સીઝનનું સૌથી લોએસ્ટ લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી નોંધાયું છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હજી ઠંડીનું જોર યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાડ થ્રીજાવતી ઠંડીના કારણે જનજીવન રિતસર ઠુંઠવાઈ ગયું છે. ગરમ ઉપકરણો અને વસ્ત્રો પણ ઠંડી સામે જાક ઝીલવામાં બેઅસર પુરવાર થઈ ગયું છે.
જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજયભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. નવા વર્ષના આરંભે જ ઠંડીનું જોર વધતા જનજીવન રીતસર ઠુંઠવાઈ ગયું છે. કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઈકાલે નલીયાનું તાપમાન ૪.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી. ગઈકાલે નલીયાનું મહતમ તાપમાન ૨૮.૭ ડિગ્રી નોધાયું હતું. રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૦.૭ ડિગ્રી રહેવા પામ્યું હતું. જે ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સૌથી ઓછુ હોવાનું નોંધાયું છે. સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૨.૪ ડિગ્રી પર સ્થિર થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯ ટકા અને પવનની ગતિ સરેરાશ ૮ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજી ચાલુ હોવાના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજયભરમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
રાજકોટમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં ગરકાવ થઈ જાય તેવી સંભાવના જણાઈ રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ઠંડીથી બચવા સવારે અને રાત્રે લોકો તાપણાનો પણ આશરો લેતા હોવાનું નજરે પડે છે. કાતિલ ઠંડી સામે સ્વેટર, મફલર, ટોપી, સાલ અને હિટર સહિતના તમામ ઉપકરણો બે અસર પુરવાર થઈ રહ્યા છે. ઠંડીમાં મોર્નીંગ વોકમાં નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ઠંડીના કારણે ચીકી, અળડિયા, જીંજરા સહિતના પૌષ્ટીક આહાર તરફ લોકો વળ્યા છે. ગુજરાતમાં સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં જોર વધુ રહેતું હોય છે. નવા વર્ષના આરંભે જ ગાત્રો થ્રીજાવતી ઠંડી પડવાનું શrરૂ થઈ ગયું છે.