રાજકોટમાં એક દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ઉંચકાયો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે અને કાલે સામાન્ય વરસાદની આગાહી
રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ ખેડૂતો પર ઠંડીમાં નવી આફત આવી છે. ખેડૂતો પર આકાશી વર્ષા વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજર અને કાલે સામાન્ય વરસાદ પડશે. રાજ્યના અનેક શહેરોમાં ફરી પાછો કમોસમી વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે. જોકે આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના રવિ પાકને નુકશાન થવાની ભીતિ છે. આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો પટકાયો છે.
રાજકોટના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે લઘુતમ તાપમાન ૧૫.૩ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી ઉચકાયો છે જ્યારે આજે શહેરમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને ૮ કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, પવનની દિશા બદલાતા રાજ્યભરમાં ઠંડીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ડીસેમ્બર માસના અંતમાં ફરી બર્ફીલા પવન ફુંકાશે અને ઠંડીમાં વધારો જોવા મળશે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે અને કાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના પગલે રવિપાકને ભારે નુકશાન થવાની ભીતિ છે. જોકે વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળતા ઠંડી ઘટી છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા જોવા મળ્યું છે જો કે પાછલા દિવસનો સરખામણીએ તાપમાનનો પારો ઉચકાયો છે.
ઉત્તર ભારતના રાજ્યમાં હિમવર્ષાનો બીજો રાઉન્ડ થશે ત્યારબાદ ફરીથી રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાશે અને ઠંડીનું જોર વધશે.
એકબાજુ છેલ્લા દસેક દિવસથી રાજ્યભરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો હતો. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચો જોવા મળ્યો હતો અને કળકળતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. ઠંડીથી બચવા લોકોએ ગરમ કપડા અને તાપણાનો સહારો લીધો હતો. જો કે આજથી રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને ઠંડીથી લોકોને આંશિક રાહત મળી છે. જો કે વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થયો છે. પવનની ગતી પણ ઓછી થતાં ઠંડીનું જોર ઘટયું હોય તેવુ લાગી રહ્યું છે પરંતુ હજુ આવતા દિવસોમાં એટલે કે ડિસેમ્બર માસના અંતમાં અને જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ થાય અને પારો ૧૦ ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. આજે અને કાલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેને લઇને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રવિ પાકને પણ નુકસાન થવાની ભીતિ જણાઇ રહી છે.