સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની રાજકોટ સીટી શાખાની તાજેતરમાં મળેલી કાર્યવાહક સમિતિની બેઠકમાં રાજકોટને એઈમ્સ મળવી જ જોઈએ તેવો નિર્ણાયક સુર વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. આ કારણ કરતાય મજબુત કારણ એ છે કે સૌરાષ્ટ્રનાં મધ્યમાં આવેલા રાજકોટમાં પુરતી તબીબી સુવિધાઓ ઉભી થાય તેવી અનુકુળતા છે. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રનાં તમામ સંસદ સભ્યો/ ધારાસભ્યો તથા વિવિધ સંસ્થાઓના અગ્રણીઓને એઈમ્સના મુદ્દે એક મંચ ઉપર આવવા અને રાજકોટનો સૌરાષ્ટ્રનો કેસ મજબુતાઈથી રજુ કરવા અપીલ કરી છે. ઘણા સમયથી રાજકોટ સૌરાષ્ટ્રની પડતર માંગણી છે કે હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મેળવી જોઈએ. આ માટે રાજકોટ બાર એસોસીએશનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને જેની સાથે રહીને આંદોલન સહિતના કાર્યક્રમો આપવા અમે તૈયાર છીએ તેમ પરીષદની બેઠકમાં જણાવાયું છે.

પરિષદનાં કાર્યકારી પ્રમુખ જયંતિભાઈ કાલરીયા અને પરિષદનાં અગ્રણીઓ યશવંતભાઈ જનાણી તથા જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં રાજકોટ મ્યુ.કોર્પોરેશનને અનુરોધ કરી જણાવ્યું છે કે, રાજકોટની જનતાને પાણી કાપ આપ્યા વિના દરરોજ પુરતુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની છે. આ બેઠકમાં રાજકોટ શહેરનું સંગઠન મજબુત બનાવવા અઢાર વોર્ડમાં ક્ધવીનરો નિમવા અને વોર્ડ વાઈઝ સભ્ય ઝુંબેશ ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત પરિષદનું પ્રદેશ અધિવેશન એપ્રિલ માસમાં બોલાવવાનું નકકી કરવામાંઆવ્યું છે.

આ તકે સલાહકાર અગ્રણી યશવંતભાઈ જનાણીએ સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ર્ને અને રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવાના પ્રશ્ર્ને મુખ્યમંત્રીએ કરેલા પ્રયત્નોની સરાહના કરી જણાવ્યું હતું કે વિકાસ પરિષદ સૌરાષ્ટ્રનાં પ્રશ્ર્નોના ઉકેલ માટે અગત્યનું માધ્યમ બનવું જોઈએ. આજની બેઠકમાં જયંતિભાઈ કાલરીયા, જીમ્મીભાઈ અડવાણી, સુરેશભાઈ ચેતા, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરેએ ચર્ચામાં ભાગ લઈ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ તકે હિંમતભાઈ લાબડીયા, બળવંતભાઈ ચૌહાણ, એલ.એસ.સૈયદ, વાસ્વીબેન સોલંકી, નલીનીબેન ઉપાધ્યાય, મધુરીકાબેન જાડેજા, પ્રિ.કે.એમ.માવાણી, રસિકભાઈ સોલંકી, ભારતીબેન સનિસરા, જીતુભાઈ લખતરીયા, અતુલભાઈ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.