વિજેતાના નામ સાંજે જાહેર થશે: યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક હેઠળની ૩૩ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ થનગનાટ બતાવ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮મી ઓકટોમ્બરના રોજ ૪૮માં થનગનાટ યુવક મહોત્સવનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ યુવક મહોત્સવનું ભવ્ય સમાપન થયું હતું. ત્રણ દિવસીય યુવક મહોત્સવમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક હેઠળની ૩૩ સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ પોતાનો થનગનાટ બતાવ્યો હતો. આ ઉપરાંત યુવક મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રથમ વર્ષમાં આવનાર વિદ્યાર્થીઓને એક હજારના ટોકન દરે ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
યુવક મહોત્સવમાં બીજા જ દિવસે સાહિત્ય વિભાગમાં ગઝલ, શાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ચિત્રકલા, કાર્ટૂનીંગ કોલાજ એકાંકી, સાસ્ત્રીય કંઠ, ભજન, વેસ્ટન ગ્રુપ સોંગ, પ્રાચીન રાસ અને શાસ્ત્રીય નૃત્યની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ આજરોજ ત્રિજા દિવસે સ્પર્ધકોએ નાટક સહિતની સ્પર્ધાઓમાં રસપૂર્વક પોતાનું પરર્ફોમન્સ રજૂ કર્યું હતું.
આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૪૮મો યુવક મહોત્સવ નિરસ લાગ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પણ સત્તાધીશો યુવક મહોત્સવમાં ડોકાયા ન હતા. તેમજ વિદ્યાર્થીઓમાં પણ જાણે નીરસતા હોય તેમ ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
રૂ.૪૫ લાખના ખર્ચના આ તાઈફા સ્વરૂપ યુવક મહોત્સવમાં ભારે નીરસતા જોવા મળી હતી. સ્પર્ધકોની સાથો સાથ વિદ્યાર્થીઓ પણ તડકામાં સેકાયા હતા અને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે, સ્પર્ધકોએ રસપૂર્વક પોતાનું થનગનાટ રજૂ કર્યું હતું અને આજ સાંજ સુધીમાં ૩૩ સ્પર્ધાના વિજેતાઓના નામ પણ જાહેર કરી દેવામાં આવશે.