- ખાટલે મોટી ખોટ!!!
- 13 જેટલા નેશનલ કક્ષાના મેદાનો સમયસર સફાઈ ન થતા હાલ બિસ્માર હાલતમાં: સ્પોર્ટ્સ સંકુલમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, બાથરૂમની સફાઇના અભાવે બંધ: ક્રિકેટ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં મસમોટા ઘાસ ઉગી નિકળ્યા
- છેલ્લા 22 દિવસથી સફાઈનો કોન્ટ્રાકટ પૂરો થઇ જતા મેદાનોની જાળવણી તો દૂર સફાઈ પણ નથી કરાતી: બેડમિન્ટનની સિન્ટેથિક કોર્ટમાં તિરાડો પડી જતા ખેલાડીઓને રમવું બન્યું મુશ્કેલ
એક સમય એ ગ્રેડ તરીકે જાણીતી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આજે ફરી એક વખત ચર્ચામાં આવી છે. એ ગ્રેડ યુનીવર્સીટીના સપોર્ટ સંકુલ અને મેદાનો તેમજ સ્પોર્ટ્સના સાધનોની હાલત ડી ગ્રેડ જેવી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 13 જેટલા નેશનલ કક્ષાના મેદાનો સમયસર સફાઈ ન થતા હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ બેડમિન્ટન, ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડની હાલત જોતા તો એવું લાગી રહ્યું છે કે આ નેશનલ કક્ષાના મેદાનો નહિ પણ પક્ષીઓને વસવાટ કરવાનું સ્થળ બની ગયું છે.
ઉપરાંત વર્ષ 2003માં ખરીદ કરવામાં આવેલ વ્યાયામ માટેના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવેલ સાધનનો એક પણ વખત ઉપયોગ ન થયો હોવા છતાં તેની હાલત ધૂળ ખાતી થઇ ગઈ છે. સૌ.યુની. હંમેશવિવાદોમા રહેવાનો અને છબી ખરડાવામાં મહદઅંશે ફાળો રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ જવાબદાર ઠેરવી શકાય.જાણે સરકારને આ યુની.બાબતે કોઇ જાતનો રસ જ ના હોય તેવુ ચિત્ર ઉપજી રહ્યું છે.
અનેક વખત રાજ્યસરકારના શિક્ષણમંત્રી કેમ્પસમા કાર્યક્રમોમા હાજરી આપી કાયમી કુલપતિની નિમણુંક મામલે મુખ્યમંત્રીના ટેબલ પર જ ફાઈલ હોવાનું કહી લોલીપોપો આપી જતા રહે છે પરિણામે તત્કાલ કાર્યકારી કુલપતિ પણ નિષ્ક્રિય હોય તેમ કેમ્પસની પરિસ્થિતિ દરેક બાબતે કથળતી જતી જાય છે અને તેના ભોગ હજારો વિદ્યાર્થીઓ બનતા હોય છે અને હેરાનગતી અનુભવતા હોય છે. એક તરફ રાજ્ય સરકાર રમશે ગુજરાત જીતસે ગુજરાત જેવા કાર્યક્રમો યોજી ઓલમ્પિકમા ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરે તેવી જાહેરાતો કરે છે બીજી તરફ જો રમતો માટે ગ્રાઉન્ડ અને સુવિધાઓ ઉપલબ્ધ હોય પરંતુ તેની સાફસફાઈ અને મેઇન્ટેન ના થવાના અભાવે રમતવીરોના સપનાઓ પર વિધ્ન બને છે.છેલ્લા છ મહિનાથી સાફસફાઈનું ટેન્ડર થયું નથી ! તો ખેલાડીઓ કરે તો ક્યાં કરે તેવી સ્થતિ ઉભી થઇ છે.
ઇન્ડોર સ્ટેડિયમમા સફાઇના અભાવે રમતવીર ઘવાયો: રોહિત રાજપૂત
સૌરાષ્ટ્ર યુની. કેમ્પ્સના રમતવીરો માટેરમશો તો મરશો તેવી સ્થિતિનું નિર્માણ થાય થયું છે. 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલમા ઇન્ડોર સ્ટેડિયમમા સફાઇના અભાવે અને મેઇન્ટેનન્સના અભાવે આજે એક રમતવીર લપસી જતા ઘવાયો હતો.ઉપરોક્ત વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી આવીને આવી અવદશા સંકુલની હોય છતાં એક પણ સતાધિસે આ સ્થિતિનુ નિરીક્ષણ બાબતે તસ્દી લીધી નથી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે વિશાળ કેમ્પસ તો છે પણ વિદ્યાર્થીઓ માટે નકામું હોય તેવી સ્થિતિ અનુભવી છે.
વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે આખા સ્પોર્ટ્સ સંકુલમાં પીવાનું પાણીની સુવિધા નથી અને બાથરૂમની સફાઇના અભાવે બંધ જેવી હાલત ઉદ્ભવી છે ત્યારે રમતવીરો આ પ્રાથમિક સુવિધાઓ ના હોવાના કારણે કેમ્પસ બહાર જવાની પરિસ્થિતિ ઉદ્દભવે છે. અન્ય રમતોની વાત કરવામાં આવે તો ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડમા મોટુ મોટુ ઘાસ ઉગી નીકળા છે. બેડમિન્ટનમા સિન્થેટિક કોર્ટ છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે. હાલ મોટાભાગના ગ્રાઉન્ડ શોભાના ગાંઠિયા સમાન છે. મોટાભાગની રમતોમાં કાયમી કોચ પણ નથી ત્યારે રમતગમત બાબતે જે ખેલાડીઓ યુની.નુ નામ રોશન કરવા માંગતા હોય પરંતુ સતાધિસોની દાનત અને અણઆવડતને કારણે ખેલાડીઓ મજબૂર બન્યા છે કે કોઇ સાંભળનાર નથી !
પાણીના અભાવે મેઈન્ટેઈનન્સ થતું નથી: શારીરિક શિક્ષણ નિયામક
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષીબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ પાણીના અભાવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રમત ગમતના મેદાનોની જાણવણી થતી નથી. 22 દિવસ પહેલા જ સફાઈનો કોન્ટ્રાકટ પૂરો થયો છે. જો કે રોજમદાર રાખીને પણ સાફસફાઈ કરવામાં આવે તો પણ પાણી નો જ અભાવ હોવાથી સફાઈ શક્ય બનતી નથી. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 14 જેટલા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે પણ કાયમી કોચ એકપણમાં નથી. વહેલી તકે આ બાબતનું નિરાકરણ કરવામાં આવશે તેવો મારો પ્રયાસ રહેશે.
વર્ષોથી કાયમી કોચનો અભાવ!!!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લાં ઘણાં સમયથી કોચની ભરતી કરવામાં આવતી ન હોવાથી વિધ્યાર્થીઓનું ખેલકૂદનું કૌશલ્ય રુંધાઇ ગયું છે. ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ અને વોલીબોલ સહિતની રમત-ગમતનાં કોચ ન હોવાથી વિધ્યાર્થીઓ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવી શકતા નથી. ત્યારે કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ હાલ નોંધરું બન્યું છે.