109 કેન્દ્ર પર કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરી 22 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા આજથી શરૂ થઈ છે. BA , BBA , BSC , LLB અને BSW સેમેસ્ટર 5ની અને BSCIT , MSCIT અને MPM સેમેસ્ટર 3 સહિતના કોર્સની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 હજાર વિદ્યાર્થીની તાજેતરમાં જ પરીક્ષા લીધા બાદ હવે બીજા તબક્કામાં 22 હજાર વિદ્યાર્થીની આજથી પરીક્ષા શરૂ થઈ છે.
આજથી શરૂ થયેલી પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમે-5ના 16950 વિદ્યાર્થી, બીબીએ સેમે-5ના 2512 વિદ્યાર્થી, કકઇ સેમે-5ના 1952 વિદ્યાર્થી સહિત કુલ 22,524 વિદ્યાર્થીની રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવે જે કોલેજોમાં ચોરી થવાના કિસ્સા બહાર આવતા હતા એવી કોલેજોને પરીક્ષા કેન્દ્ર જ આપવાનું બંધ કરી દેવાયું છે. તાજેતરમાં જ 15 હજાર વિદ્યાર્થીની લેવાયેલી પરીક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા 109 કેન્દ્ર પર લેવામાં આવી રહી છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર કોવિડ-19ની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેથી કોરોના સંક્રમણ ન ફેલાય. પ્રથમ તબકકાની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે બીજા તબકકાની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે ખુબ જ સરળતાથી પરીક્ષા આપી હતી અને યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને દૂર સુધી ધકકા ન ખાવા પડે તે માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને જે-તે કેન્દ્રમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવી આપી હતી.
પરીક્ષાના પ્રથમ દિવસે અમરેલીમાં 1 કોપી કેસ નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રથમ દિવસે શાંતીપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો જો કે પ્રથમ તબક્કાની પરીક્ષામાં એક પણ કોપીકેસ ના નોંધાતા આજે બીજા તબક્કાની પરિક્ષામાં પ્રથમ જ દિવસે અમરેલીમાં બી.એ. સેમ-5નો એક વિદ્યાર્થી ગેરરીતી કરતો ઝડપાયો હતો.
જામનગરની કોલેજોની રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કરતા કુલપતિ પેથાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે આ સંદર્ભે કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે મેં ખુદે જામનગરની એમ.પી.શાહ કોલેજ, ડી કે વી કોલેજ અને એસ.ઇ.વી.ટી કોલેજમાં રૂબરૂ જઈ નિરીક્ષણ કર્યું હતું અને આચાર્યો સાથે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવાય તે અંગે ચર્ચા-વિચારણા પણ કરી હતી.