૬૬ કેન્દ્રો પર ૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે કુલપતિ-ઉપકુલપતિએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ટેમ્પેરચર ચેક કરાયું, પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષાની શરૂઆત
કોરોનાની મહામારી વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રભરનાં ૬૬ કેન્દ્રો પર ૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આજે પરીક્ષા શરૂ થાય તે પૂર્વે પરીક્ષા કેન્દ્રની કુલપતિ નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીએ મુલાકાત લીધી હતી. કોરોનાની મહામારીમાં આજથી શરૂ થયેલી પીજીની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનાં આરોગ્યને ધ્યાને લઈ યુનિવર્સિટી દ્વારા દરેક કેન્દ્ર પર થર્મલ ગન અને સેનેટાઈઝર આપવાનો નિર્ણય કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ખાસ તો આજે ડી.એચ. કોલેજ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર પર કુલપતિ અને ઉપકુલપતિએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે આજથી પી.જી.ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી પીજીની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેને લઈ કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓનું આરોગ્ય ન જોખમાય તેને લઈ તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન ચેક કરી અનેે સેનેટાઈઝર આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું પણ ફરજીયાત છે. આ ઉપરાંત કલાસરૂમમાં પણ પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષાનો પ્રારંભ થયો હતો.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પુરી તૈયારી કરી લેવામાં આવી હતી. આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધા બાદ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને હોમિયોપેથીક દવા પણ આપવામાં આવી હતી અને પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે તેમજ શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.