યુનિ અને કોન્ટ્રાક્ટર વચ્ચે વાટાઘાટ બાદ સ્વીમીંગપૂલના તાળા ખુલ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત સ્વિમિંગપૂલ ખંઢેર બનવાની ત્યારીમાં છે યુનિવર્સિટીના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ૯ કરોડના અધધ ખર્ચ મામલે સમાધાન થયું હોય કે બીજું કાંઈ સ્વીમીંગપૂલના તાળા ખુલ્યા છે અને અધૂરૂ કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ કૌભાંડ છાપરે ચડી પોકાર્યું હતું. ૭ કરોડના ખર્ચે નિર્માણાધીન સ્વિમિંગ પુલના બાંધકામ પાછળ વધારાના રૂ.૨ કરોડ ફાળવવા માટે કોન્ટ્રાકટરે મૂકેલું બિલ કાર્યકારી કુલપતિએ નામંજૂર કરી દીધું હતું અને બાંધકામ કૌભાંડ બહાર લાવ્યું હતું.
તે સમયે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની મોટા ઉપાડે જાહેરાત તો થઈ હતી પરંતુ તેને પણ અનેક મહિનાઓ વિત્યા છતાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ન થયું.બાંધકામ વિભાગ અને પ્રોજેકટ મેનેજમેન્ટ કમિટીના કમલેશ પારેખે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ ન આપતા અગાઉ ની એસ્ટેટ કોઈ ચર્ચા વિના જ પૂર્ણ કરી દેવી પડી હતી. પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણનાં સમયગાળા દરમ્યાન યુનિવર્સિટીમાં સ્વિમિંગ પુલનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. બે સ્વિમિંગ પુલ અને શૂટિંગ રેન્જનાં નિર્માણ માટે રૂ.૭.૮૦ કરોડનો વર્ક ઓર્ડર તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે સ્ટ્ર્ક્ચલર એન્જિનયરે ઓલમ્પિક કક્ષાની ડિઝાઇન તૈયાર કરવા માટે વધુ રૂ.૨.૮૧ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં કોન્ટ્રાકટરને સાડા પાંચ કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે.
સ્વિમિંગ પુલનાં નિર્માણ માટે ૭ બિલ મુકાઇ ચૂક્યા છે અને વધારાનો ખર્ચ રૂ.૨.૮૧ કરોડ ગત ઓગસ્ટ માસમાં મળેલી એસ્ટેટ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરી દવેએ પણ વધારાનાં ખર્ચની મંજૂરી આપવાને બદલે તપાસનાં આદેશ કરી ફરી વખત એસ્ટેટ કમિટીની બેઠક બોલાવી તેમાં વધારાનો ખર્ચ કેટલો મંજૂર કરવો તેનો નિર્ણય લેવામાં આવશે તેવી વાત કરી હતી. જોકે તે નિર્ણય પણ હજુ થયો નથી દરમયાન આગામી ૨૭મી નવેમ્બરના રોજ મળનારી સિન્ડિકેટની બેઠકમાં સ્વિમિંગ પુલના ખર્ચને મંજૂર કરવો કે નહીં તેનો નિર્ણય લેવાશે તેવી બાંહેધરી અપાતા કલરકામ શરૂ કરવામાં આવ્યું છે.