યુનિવર્સિટીમાં શુટિંગ રેન્જનું કામ ખોરંભે
રૂ.૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શુટિંગ રેન્જનું કામ બે વર્ષથી થયું નથી: ૭૫ ટકા કામ હજુ બાકી
ખાનગી કલબમાં ઉંચુ ભાડુ હોવાના કારણે ખેલાડીઓ દરરોજ શુટિંગની પ્રેક્ટિસ કરી શકતા નથી ખેલાડીઓ ખાનગી કલબ પાસેથી પિસ્તોલ-રાયફલના રૂ. ૫૦૦ થી ૩૦૦૦નું ચુકવે છે ભાડુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વીમીંગ પુલની લગોલગ નિર્માણ પામી રહેલ નેશનલ કક્ષાના શુટિંગ રેન્જનું કામ છેલ્લા બે વર્ષથી ખોરંભે ચડયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિકાસ રાજકારણમાં ખોરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો કુલપતિની નિમણૂંક બાબતે વિલંબ અને હવે કુલપતિની નિમાયા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિકાસ શરૂ થતો નથી તેવું લાગી રહ્યું છે. સ્વીમીંગ પુલની લગોલગ જ સૌરાષ્ટ્રનું પ્રથમ નેશનલ કક્ષાનું શુટિંગ રેન્જ બનવાની જાહેરાત બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. જો કે, આ કામગીરીનું ૫૦ ટકા કામ પણ હજુ પૂર્ણ થયું નથી. છેલ્લા બે વર્ષથી શુટિંગ રેન્જની કામગીરી અટકીને પડી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એકમાત્ર એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિકાસ રાજકારણમાં ખોરવાઈ ગયો છે. બે વર્ષ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રતાપસિંહનો કુલપતિ તરીકેનો કારોબાર પુરો થયા બાદ યુનિવર્સિટીએ એક વર્ષ સુધી બે કાર્યકારી કુલપતિ તરીકે યુનિવર્સિટીનું કામકાજ રોળવાતું હતું. સૌપ્રથમ કમલ ડોડીયાને કાર્યકારી કુલપતિનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
તેમના કાર્યકાળ દરમિયાન અનેક મતભેદો થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા કાર્યકારી કુલપતિ તરીકે નિલાંમ્બરીબેન દવેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે, બન્ને કાર્યકારી કુલપતિના કાર્યકાળ દરમિયાન એક પણ વિકાસના કામો થયા ન હતા.ત્યારબાદ માંડ માંડ કાયમી કુલપતિ તરીકે ડો.નિતીનકુમાર પેથાણી અને કાયમી ઉપકુલપતિ તરીકે ડો.વિજય દેસાણીની નિમણૂંક કરવામાં આવી.
જો કે, નિમણૂંક થયાના ચાર થી પાંચ મહિના થઈ ગયા હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિકાસ થઈ શકયો નથી. બે વર્ષ અગાઉ થયેલી જાહેરાતોના કામ પણ હજુ પુરા થયા નથી. કયાંકને કયાંક એવું લાગી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિકાસ રાજકારણમાં ખોરવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વીમીંગ પુલની લગોલગ જ નિર્માણ પામી રહેલા નેશનલ કક્ષાના શુટિંગ રેન્જનું કામ છેલ્લા બે વર્ષથી ખોરંભે ચડયું છે. રાજકોટમાં અન્ય જગ્યાએ ખાનગી શુટિંગ રેન્જ પિસ્તોલ કે રાયફલ એક દિવસ ભાડે આપવાના રૂ.૫૦૦ થી ૩૦૦૦ લે છે. જેને લીધે ખેલાડીઓ દરરોજ શુટિંગની પ્રેક્ટિસ કરી શકતા નથી અને તેમના પરર્ફોમન્સમાં પણ સુધારો આવતો નથી. સૌરાષ્ટ્રનું સૌપ્રથમ નેશનલ કક્ષાનું શુટિંગ રેન્જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનવા જઈ રહ્યું છે. ત્યારે આ શુટિંગ રેન્જનું નિર્માણ તાત્કાલીકપણે શરૂ થાય તો અનેક ખેલાડીઓને ફાયદો થઈ શકે તેમ છે.
આચારસંહિતા બાદ તુરંત જ શુટિંગ રેન્જનું કામ આરંભાશે: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શુટિંગ રેન્જનું કામ છેલ્લા બે વર્ષથી અટકીને પડયું છે. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગભગ દોઢેક વર્ષથી કામગીરી અટકીને પડી છે. હાલ ચૂંટણીને લીધે કામગીરી શરૂ કરાઈ તેવું નથી. ચૂંટણી બાદ આચારસંહિતા દૂર થશે એટલે તુરંત જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આ શુટિંગ રેન્જ સૌરાષ્ટ્રની એકમાત્ર નેશનલ કક્ષાની શુટિંગ રેન્જ હશે અને ચાર થી પાંચ મહિનાની અંદર આ શુટિંગ રેન્જ ધમધમતુ થશે.
પાંચ મહિનામાં યુનિવર્સિટીના તમામ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ધમધમતા થશે: દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકી, ક્રિકેટ, ટેનીસ, બેડમીન્ટન, સ્વીમીંગ પુલ સહિતના સ્પોર્ટસ કોમ્પલેક્ષો બનાવવા પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે તેમ છતાં પણ એકપણ ગ્રાઉન્ડનો યોગ્ય ઉપયોગ થતો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ચૂંટણી છે, એટલે કામગીરી અટકીને પડી છે. શુટિંગ રેન્જનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. થર્ડ પાર્ટી ઈન્પેકશન આવ્યા બાદ તુરંત જ જેટ ગતિએ કામગીરી ચાલુ થઈ જશે. સ્વીમીંગ પુલ અને શુટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો ધમધમતા થશે અને જરૂર મુજબ કોચની નિમણૂંક કરીને બધી જ રમતોને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.