કુલ ૩૯૯ વિદ્યાર્થીઓના થેલેસેમીયા ટેસ્ટ થયા: વિદ્યાર્થી દીઠ રૂ. ૧૫૦નો ખર્ચ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા જુન-૨૦૧૭થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને થેલેસેમીયા જેવી ગંભીર બિમારીના કારણે તકેદારીના ભાગરૂપે પ્રવેશ વેળાએ જ થેલેસેમીયા ટેસ્ટ કરાવવા સંદર્ભમાં યુનિવર્સિટીએ પોતાના સ્થાપનાના સુવર્ણ જયંતી વર્ષ નિમિતે પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીને થેલેસેમીયા ટેસ્ટ કરાવવા સંકલ્પ કરેલ હતો.આ સંકલ્પના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજકોટની આર.પી.ભાલોડીયા કોમર્સ કોલેજ ખાતે આજથી વિદ્યાર્થીઓને થેલેસેમિયા ટેસ્ટ કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. આ થેલેસેમિયા ટેસ્ટ એચ.પી.એલ.સી. ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેથન દ્વારા સચોટ થેલેસેમિયા રિપોર્ટ કરવામાં આવેલ હતો. આ થેલેસેમિયા ટેસ્ટમાં આજરોજ કુલ ૩૯૯ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવેલ હતો. આ થેલેસેમિયા ટેસ્ટ અંગેના પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૧૫૦/-નો ખર્ચ થનાર છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભોગવશે. આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે સંદેશ આપ્યો હતો કે ભારત દેશમાં થેલેસેમિયા જેવી અતિ ગંભીર બિમારીને કારણે અસંખ્ય બાળકોની અમૂલ્ય જિંદગી બિસ્માર બની જતી હોય છે અને આ ગંભીર રોગના કારણે બાળકના સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી. થેલેસેમિયા જેવી બિમારી નાબુદ થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના સુવર્ણ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનો વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી નિર્ણય કરેલ હતો. જેનાભાગરૂપે આજરોજ રાજકોટની આર.પી.ભાલોડીયા કોલેજ ખાતે જાણીતી સંસ્થા રેડક્રોસ સોસાયટી દ્વારા ૩૯૯ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રથમ વર્ષના આશરે ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય ડો.ભાવીનભાઈ કોઠારી, મેડિકલ ફેકલ્ટના ડીન ડો.કમલસિંહ ડોડીયા, આર.પી.ભાલોડીયા કોમર્સ કોલેજના ટ્રસ્ટી ડો.નિરજ પટેલ, રેડક્રોસ અમદાવાદના ભાવેશભાઈ આચાર્ય, પ્રકાશભાઈ પરમાર તેમજ રાજકોટ રેડક્રોસ સોસાયટીના દિપકભાઈ નારોલા ઉપસ્થિત રહ્યા હતા.