ચાલુ સપ્તાહે યુનિવર્સિટી દ્વારા પેપર ચકાસણીની કામગીરી શરૂ કરાશે: જિલ્લા મથકે પ્રોફેસરોને ઉતરવહીઓ મળી જશે
કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૩૩ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત થઈ છે. આજથી બિનશૈક્ષણિક કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને તમામ વહિવટી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ દિવસથી ચાલી રહેલા લોકડાઉન દરમ્યિાન તમામ કામગીરી ખોરંભે ચડી હતી. આજથી ૩૩ ટકા કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ફરીથી યુનિવર્સિટી ધમધમતી કરવામાં આવી છે. આ તમામ ૩૩ ટકા કર્મચારીઓને માસ્કનું વિતરણ, સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તમામનું ગેટ પર જ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનીંગ કર્યા બાદ જ તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તમામ વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે ચાલુ સપ્તાહે યુનિવર્સિટી દ્વારા પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે અને જિલ્લા મથકે પ્રોફેસરોને ઉતરવહીઓ મળી જશે.