રાજકોટ: કોરોનાના કેસો દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જ દરરોજના 3000થી વધુ કેસ આવે છે. આવી કપરી પરિસ્થિતિમાં લોકો બેડ અને ઓકિસજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ હોસ્પિટલો શરૂ કરવાની તૈયારી બતાવી છે. આજે સાંજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓકિસજન સાથેના 100 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ જશે. છેલ્લા અઠવાડિયાથી આ કામગીરી ચાલતી હતી જોકે આજે ઓકિસજન ટેસ્ટ સહિતની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે ત્રણ કોવિડ કેર સેન્ટર છેલ્લા બે અઠવાડિયાથી કાર્યરત છે પરંતુ ઘણા એવા દર્દીઓ છે જેને ઓકિસજનની તાતી જરૂર છે તેના માટે કલેકટર તંત્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે 400 બેડ ઓકિસજન સાથેની સુવિધાવાળી હોસ્પિટલ છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હતી જોકે આજ સુધીમાં ઓકિસજન સાથેના 100 બેડ તૈયાર થઈ ગયા છે અને આજે સાંજથી જ આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે જેમાં 350 ડોકટરો અને નર્સિંગનો સ્ટાફ તૈનાત રહેશે તેમજ રાજકોટની વિવિધ મેડિકલ કોલેજોનો સ્ટાફ જેને પેરામેડિકલ તરીકે ઉપયોગમાં લેવાશે. આગામી ત્રણ-ચાર દિવસમાં 400 બેડ સજ્જ ઓકિસજન સાથેની હોસ્પિટલ ધમધમતી થઈ જશે. ફકત સિવિલ હોસ્પિટલમાંથી રેફરલ કરેલા દર્દીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોવિડ કેર હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવશે. કોઈ દર્દીને સીધા જ એડમિટ કરી શકાશે નહીં.