પહેલી ડિસેમ્બરથી બી.એ., બી.કોમ, એમ.એ., એમ.કોમ, એમ.એસસી., એલએલ.એમ. સહિતની સેમ-૧-૩ અને ૫ની પરીક્ષાનો પ્રારંભ
કોરોનાની મહામારીમાં સમગ્ર દેશમાં સ્કૂલ-કોલેજો બંધ છે ત્યારે થોડા દિવસ પહેલા ૨૩મી તારીખથી સ્કૂલ-કોલેજ ખોલવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જો કે, એ નિર્ણય બદલવ્યો પડ્યો હતો અને હાલ પૂરતા શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે, વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તો આગામી ડિસેમ્બર માસથી યોજાનારી વિવિધ સેમ-૧-૩ અને ૫ની પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોરોના વચ્ચારે ૧૦૦ ટકા ઓપ્શન સાથે સુરક્ષીત રીતે યોજશે.
આજે મળેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીનની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પરીક્ષા પુરેપુરી તકેદારી સાથે લેવામાં આવશે તેમજ પરીક્ષા વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ સહમતી પત્ર ભરવાનો રહેશે અને તમામ વર્ગખંડમાં સેનેટાઈઝરની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરી પરીક્ષા આપવાની રહેશે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ડિસેમ્બર માસથી બીકોમ, બી.એમ., એમ.કોમ., એમ.એ., બીબીએ, બીસીએ સહિતની વિવિધ સેમેસ્ટર ૧-૩ અને ૫ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે હાલ કોરોનાએ ફરી પાછો ઉથલો માર્યો હોય તેમ છતાં રાજ્યની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાઓ લેવા સજ્જ છે અને ખાસ તો આ વખતે કોરોનામાં શાળા-કોલેજો છેલ્લા ૮ માસથી બંધ હોય, વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખ્યો હોય જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા દેવામાં કોઈ અગવડતા ન પડે તે માટે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા ઓપ્શન વાળુ પેપર નીકળશે.
૧લી ડિસેમ્બરથી શ થનારી પરીક્ષામાં જનરલ ઓપ્શન એટલે કે, પ્રશ્ર્નપત્રમાં ૨ કરતા વધુ ઓપ્શન આપવા જેથી કરી વિદ્યાર્થીઓને ભારણ ન રહે અને વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે. ગત તા.૧૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.નિદતભાઈ બારોટે આ સંદર્ભે કુલપતિ સમક્ષ લેખીતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં પરંપરાગત રીતે પ્રશ્ર્નપત્રમાં જે વ્યવસ્થા કરવામાં આવે છે તેના બદલે વિદ્યાર્થીને વધારાના પ્રશ્ર્નો પ્રશ્ર્નપત્રમાં મુકીને આપેલા પ્રશ્ર્ન પૈકી કોઈપણ ૫૦ ટકા પ્રશ્ર્નો વિદ્યાર્થી પરીક્ષામાં લખે તો આખુ પેપર લખી શકે તે પ્રમાણેની જનરલ ઓપ્શનની જોગવાઈ કરવા રજૂઆત કરી હતી અને આજે મળેલી ડીનની બેઠકમાં આ બાબતે ચર્ચા-વિચારણા કર્યા બાદ જનરલ ૧૦૦ ટકા ઓપ્શનવાળા પેપર કાઢવા સર્વાનુમતે મંજૂરી મળી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ પાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧લી ડિસેમ્બરથી પરીક્ષા યોજાશે જ અને સરકારી ગાઈડ લાઈન મુજબ આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સરળતાપૂર્વક પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.